આજથી જ આચારસહિતાનો અમલ : હવે સતા મેળવવા રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગ
મોરબી : મોરબીની સામાન્ય પ્રજા કરતા ખાસ તમામ રાજકીય પક્ષો અને નેતાઓ, આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો જેની મેઘરાજાની જેમ ચાતક નયને પ્રતીક્ષા કરતા હતા. તે મોરબી મહાપાલિકા સહિત સ્થાનિક સ્વરાજયની ચૂંટણી હવે જાહેર થતા સતા મેળવવા માટે રાજકીય પક્ષો અને નેતાઓ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જેમાં મોરબી મહાપાલિકા, જિલ્લા પંચાયત, પાંચેય તાલુકા પંચાયતની ચૂંટણી 26 એપ્રિલે યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આથી આજથી આદર્શ આચારસહિતા લાગુ કરવામાં આવી છે. જેમાં 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણના થશે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાતની સાથે જ આજથી એટલે કે તા. ૦૧-૦૪-૨૦૨૬ થી રાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલી બની ગઈ છે. આ ચૂંટણીઓમાં ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે.
ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
● ચૂંટણીની જાહેરાત : ૦૧-૦૪-૨૦૨૬
● જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ : ૦૬-૦૪-૨૦૨૬
● ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ : ૧૧-૦૪-૨૦૨૬
● ઉમેદવારી પત્રોની ચકાસણી : ૧૩-૦૪-૨૦૨૬
● ઉમેદવારી ખેંચવાની છેલ્લી તારીખ : ૧૫-૦૪-૨૦૨૬
● મતદાનની તારીખ (સવારે ૭ થી સાંજે ૬) : ૨૬-૦૪-૨૦૨૬
● પુનઃ મતદાન (જો જરૂરી હોય તો) : ૨૭-૦૪-૨૦૨૬
● મતગણતરીની તારીખ : ૨૮-૦૪-૨૦૨૬
● ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ : ૩૦-૦૪-૨૦૨૬
મોરબી જિલ્લામાં ક્યાં ક્યાં યોજાશે ચૂંટણી?
● મહાનગરપાલિકા: મોરબી.
● જિલ્લા પંચાયત : મોરબી
● નગરપાલિકાઓ: વાંકાનેર (વર્ગ-B), માળીયા-મિયાણા (વર્ગ-D) અને ટંકારા (વર્ગ-C)
● તાલુકા પંચાયતો: હળવદ, મોરબી, વાંકાનેર, માળીયા અને ટંકારા
આચારસંહિતાના કડક નિયમો
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તા. ૨૮-૦૪-૨૦૨૬ સુધી આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. આ દરમિયાન નીચે મુજબના પ્રતિબંધો રહેશે:
● ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કે રજા (તબીબી કારણ સિવાય) મંજૂર કરી શકાશે નહીં.
● સરકારી સેવાઓ કે જાહેર સાહસોમાં નવી નિમણૂકો આપી શકાશે નહીં.
● મતદારોને પ્રભાવિત કરે તેવી નવી કોઈ જાહેરાતો, વચનો કે નાણાકીય ગ્રાન્ટ ફાળવી શકાશે નહીં.
● વિવેકાધીન ફંડમાંથી કોઈ પણ પ્રકારની ચુકવણી મંજૂર કરી શકાશે નહીં.
● આ આદેશોનો અમલ સત્તાધારી પક્ષ, અન્ય રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ફરજિયાતપણે કરવાનો રહેશે.