મોરબી : મોરબી તાલુકાના ગૂંગણ ગામની સીમમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનું અને એક શખ્સ હાલમાં વિદેશી દારૂ - બિયર સગેવગે કરી રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ઘટના સ્થળેથી રૂ. 3.49 લાખનો દારૂ - બિયર મળી આવ્યો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી નાસી ગયો હતો.
મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, ગૂંગણ ગામની સીમમાં વિદેશી દારૂ અને બિયરની મોટાપાયે હેરફેર થઈ રહી છે. જે બાતમીને આધારે દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 312 બોટલ કિંમત રૂપિયા 3,27,600 તેમજ બિયરના 120 ટીન કિંમત રૂપિયા 21,600 બનાવ સ્થળેથી મળી આવ્યા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ બિયરનો આ જથ્થો આરોપી અરમાન ઇકબાલભાઈ જુણેજા રહે.વેજીટેબલ રોડ, મોરબી વાળાનો હોવાનું ખુલતા આરોપી અરમાન અને તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.