Monday - Jul 06, 2026

અક્કલ બડી કે ભેંસ બડીની જેમ મોરબીમાં પાલિકા તંત્રએ નરી મુર્ખતા ભર્યું કામ કર્યું

અક્કલ બડી કે ભેંસ બડીની જેમ મોરબીમાં પાલિકા તંત્રએ નરી મુર્ખતા ભર્યું કામ કર્યું

 એ ગ્રેડની ગણાતી મોરબી નગરપાલિકાએ આજે અક્કલ બડી કે ભેંસની જેમ બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય એવું વરવું અક્કલનું પ્રદર્શન કર્યું હતું. જેમાં પોશ વિસ્તારમાં આજે તંત્રએ ચાલુ વરસાદે સીસીરોડનું કામ કરી નરી મુખર્તાનું પ્રદર્શન કર્યું છે. કારણ કે વરસાદ ચાલુ હોય ત્યારે સીસીરોડ બનાવતા રેતી કપચી, સિમેન્ટ સહિતની માલ સામગ્રી ધોવાઈ ગઈ હતી. પણ થોડી જ મિનિટોમાં રહી રહીને તંત્રને પોતાની ભૂલ સમજાતા નવા બનાવેલા સિમેન્ટ રોડ ઉપર તાલપત્રી ઢાકી હતી.

મોરબીના પોષ વિસ્તાર રવાપર રોડને નવો સીસીરોડ બનાવવાનું કામ ચોમાસા અને લોકસભાની ચૂંટણી પહેલાથી ચાલી રહ્યું છે. આખો રોડ  મોટો હોવાથી રોડનું કામ એકદમ મજબૂત રીતે કરવામાં આવી રહ્યું છે. જ્યારે રવાપર રોડના હાર્દ સમાન બાપા સીતારામ ચોકમાં અગાઉ રોડ તૂટી ગયો હોય આજે ફરીથી અહીંયા સિમેન્ટ રોડથી મજબૂત કરવાની કામગીરી હાથ ધરી હતી.પણ આજે વરસાદ આવ્યો ત્યારે જ  કામ શરૂ થયાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. સ્થાનિક રહીશોના કહેવા મુજબ બાપા સીતારામ ચોક ઉપર આજે સવારે એક કલાક પહેલા સીસીરોડનું કામ શરૂ કરાયું ત્યારે જ વરસાદ ત્રાટક્યો હોવાથી મોટી માત્રામાં કપચી, રેતી,સિમેન્ટ ધોવાઈ ગયા હતા. જો કે બે દિવસથી વરસાદી માહોલ છે અને ગઈકાલે સાંજે અને આજે સવારથી વરસાદી વાતાવરણ હોવા છતાં રોડનું  કામ કર્યું અને જનતાના પૈસાનું આંધણ થયું છે. જો કે રહી રહીને તંત્રને ડહાપણની દાઢ ફૂટી હોય તેમ થોડીવારમાં વરસાદમાં પલરતી રેતી, કપચી અને સિમેન્ટ ઉપર તાલપત્રી ઢાંકી દીધી છે. જો કે કેટલો માલ બચ્યો અને કેટલો માલ વરસાદમાં ધોવાયો એની સ્પષ્ટ જાણકારી મળી શકી નથી.

વરસાદમાં રોડનું કામ ન કરે એ માટે સૂચના આપી દેવાશે

વરસાદમાં કોઈપણ કામ ટકતું જ નથી. વરસાદમાં કેટલું કામ ધોવાઈ ગયું એની તપાસ કરીને જવાબદારી સામે પગલા લેવાશે. હજુ પણ રોડનું કામ ચાલુ હોય તેથી કોન્ટ્રાક્ટર સહિતના જવાબદારી ફરી વખત આવી ભૂલ ન કરે એ માટે કડક સૂચના અપાશે અને રોડનું કામ એકદમ પાકું કરાશે.

---- નગરપાલિકાના વહીવટીદાર અને અધિક કલેકટર ખાચર