Saturday - May 18, 2024

પહેલા કેરિયર પછી જ જીવનની પરીક્ષા : કોલેજીયન યુવતીએ શૈક્ષણિક કારકિર્દીને વધુ મહત્વ આપ્યું મોરબીના દુલહનનો સોળે શણગાર સજીને નવોઢાએ સપ્તપદીના ફેરા પહેલા એમ. કોમ-4ની પરીક્ષા આપી

પહેલા કેરિયર પછી જ જીવનની પરીક્ષા : કોલેજીયન યુવતીએ શૈક્ષણિક કારકિર્દીને વધુ મહત્વ આપ્યું

મોરબીના દુલહનનો સોળે શણગાર સજીને નવોઢાએ સપ્તપદીના ફેરા પહેલા એમ. કોમ-4ની પરીક્ષા આપી

મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાં હમણાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદાજુદા અભ્યાસક્રમોની પરીક્ષાઓ ચાલી રહી હોય ત્યારે આજે મોરબીમાં પીજી એટલે એમ.કોમ. સેમેસ્ટર-4મા ભણતી યુવતી દુલહનનો સોળે શણગાર સજીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી. હકીકતમાં આજે આ દીકરીના લગ્ન હતા અને બપોરના સમયે આ નવોઢા તેના પતિ સાથે સપ્તપદીના મંગલફેરા કરીને દંમ્પત્યજીવન શરૂ કરનાર હોવાની સાથે તેની યુનિ.ની પણ આજે પરીક્ષા હોવાથી ભણી ગણીને સમાજમાં મોભાદાર સ્થાન મેળવવા માંગતી હોય એથી પહેલા કેરિયર પછી જ લગ્નનું કહેતા બન્નેના પરિવારજનોએ રાજીખુશીથી પરીક્ષા આપવાની સંમતી આપતા આ નવોઢાએ પહેલા કારકિર્દીની પછી જ જીવનની પરીક્ષા આપી હતી.

મોરબીમાં રહેતી ખુશાલી ચાવડા નામની કોલેજીયન યુવતીએ કહ્યું હતું કે, હાલ તેઓ મોરબીની કોલેજમાં એમ.કોમ. સેમ-4માં અભ્યાસ કરે છે અને હાલમાં આ એમ.કોમ. ચારની યુનિ. દ્વારા પરીક્ષાઓ શરૂ થઈ હોય એ સાથે જીવનના મહત્વના પડાવ એટલે તેણીના લગ્ન પણ સાથે જ લેવાયા હોવાથી શરૂઆતના દિવસોમાં લગ્નની તૈયારી અને લગ્નના આગલા દિવસે તો દુલહનને મહેંદી સહિત અનેક રસમો અને મુહૂર્ત સાચવવાના હોય અને ઘર મહેમાનોથી ખીચોખીચ ભર્યું હોય આવા મંગલકાર્યો વચ્ચે હું પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકીશ ? પરીક્ષા અને લગ્ન એક જ દિવસે હોવાથી આ બન્ને એકસાથે કેવી રીતે મેનેજ કરી શકીશ ? એની ચિંતા કોરી ખાતી હતી. કારણ કે, લગ્નનું મુખ્ય કેન્દ્ર બિંદુ હું જ હોવ મારા વગર લગ્નના એકેય કાર્યો શક્ય જ ન હોવાથી આવા સમયે હું પરીક્ષાની તૈયારી માટે પુસ્તક વાંચું તો કેવી લાગુ ? પણ મેં મનોમન પરીક્ષા પહેલા આપીશ પછી જ લગ્ન એવો નિર્ણય મારા માતા-પિતા અને ભાવિ પતિ અને સાસુ સસરા સમક્ષ વ્યક્ત કરતા બધાએ મારા આ નિર્ણય પર પ્રાઉડ ફિલ કરીને પહેલા પરીક્ષા આપવા માટે મંજૂરી આપી બધાએ  મને પરીક્ષાની તૈયારીઓમાં મદદરૂપ થઇને સાથે લગ્ન પણ હોવાથી નવોઢાનું પાનેતર ઓઢી મહેંદી અને આભૂષણો પહેરીને સીધી જ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ત્યારે તેના સાથી કોલેજીયન મિત્રો અને પરીક્ષા કેન્દ્રના સમગ્ર સ્ટાફે તેણીના આ પહેલા પરીક્ષા આપવાના નિર્ણયની સરહના કરી ઓલ ઘ બેસ્ટ કહીને લગ્ન જીવનની પણ બધાય આપી હતી. આથી યુવતીએ પહેલા પરીક્ષા આપી પછી લગ્ન જીવનનો  શુભારંભ કર્યો છે.