Friday - Apr 24, 2026

14000 હજાર મહિલાઓને રોજગારી આપતા ઘડિયાળ ઉધોગના 120 યુનિટોને ટકી રહેવા જીવન મરણ જેવો જંગ

14000 હજાર મહિલાઓને રોજગારી આપતા ઘડિયાળ ઉધોગના 120 યુનિટોને ટકી રહેવા જીવન મરણ જેવો જંગ

આઝાદીથી અસ્તિત્વમાં આવેલો અને 60 પછી આશરે 2010ની સાલ સુધીમાં સમગ્ર વિશ્વને સમય બતાવતો મોરબીનો ઘડિયાળ ઉધોગ હાલ સૌથી વધુ ખરાબ સમયનો સામનો કરી રહ્યો છે. આઝાદી પછીથી સાયન્ટિફિક કલોક, અંજતા ઓરેવા ઓરપેટ, સોનમ કલોક સહિતના ચુનદા મોટા ગજાના ઉદ્યોગ ગૃહોએ વૈવિધ્ય સભર અવનવી તકનીકી અને ઈલેક્ટર ઉપકરણોથી એકથી એક ચડિયાતી શ્રેષ્ઠ ઘડિયાળો બનાવીને ડોમેસ્ટિક તો ઠીક પણ એક્સપોર્ટમાં પણ ડંકો વગાડી દીધો હતો. પણ 120થી વધુ ઘડિયાળના નાના મોટા યુનિટોનું મુખ્ય ડોમેસ્ટિક જ માર્કેટ હોય અને છેલ્લા એક દાયકાથી ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ તળિયે પહોંચી જતા હવે પ્રોડક્શનમાં મોટો કાપ મુકાતા અને ફરજિયાત પણે દર અઠવાડિયે એક નહિ બે બે રજા રાખવી પડતી હોવાથી મોટી સંખ્યામાં કામ કરતી મહિલાઓ અને નાના ઉધોગકારોની રોજી રોટી પર ગંભીર અસર પડી છે.

મોરબીના લાતીપ્લોટમાં વર્ષોથી એટલે અઝાદીથી ઘડિયાળ ઉદ્યોગ સ્થાયી થયેલો હોય પણ ઘણા સમયથી ટેક્સ માટે સૌથી વધુ કમાઉ દીકરો ગણાતા આ લાતીપ્લોટમાં સુવિધાઓ આપવાની જગ્યાએ નગરપાલિકાના અત્યાર સુધીના દરેક શાસકોએ ઓરમાયું વર્તન દાખવતા ઉજ્જડ બની ગયેલા આ વિસ્તારમાં ચોમાસામાં વરસાદને કારણે કઠિન પરિસ્થિતિ સર્જાતા મોટા ઉધોગ ગૃહો અન્ય સેફ જગ્યાએ સ્થાયી થઈને ડોમેસ્ટિક તેમજ એક્સપોર્ટ પણ કવર કરી લીધું હતું હજુ પણ આ મોટા ઉધોગ ગૃહોનું ડોમેસ્ટિક અને એક્સપોર્ટ લેવલ જળવાય રહેતા તેમને કોઈ વાંધો આવ્યો નથી. પણ લાતીપ્લોટમાં સમસ્યાઓ વચ્ચે ઝઝૂમતા ઘડિયાળના આશરે 120 જેટલા નાના મોટા યુનિટોનું ડોમેસ્ટિક માર્કેટ મુખ્ય હોય પણ છેલ્લા એક દાયકાથી ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ સાવ તળિયે પહોંચી જતા નાના યુનિટો માટે ટકી રહેવા જાણે છેલ્લા સ્ટેજમાં રહેલા કેન્સરના દર્દી જેવો જીવન મરણનો જંગ ખેલવા જેવો સંઘર્ષ છે. તેમાંય ગયા વર્ષે તો ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ જ ન હોવાથી 95 ટકા ઘડિયાળના યુનિટોને ઘડિયાળનો તૈયાર માલ ગોડાઉનમાં ભરાય જતા હવે કુલ પ્રોડક્શનમાંથી ઉત્પાદનમાં મોટો કાપ મુકવો પડ્યો છે. જો કે આ દરેક ઘડિયાળના યુનિટોમાં 90 ટકા જેટલી મહિલાઓ રોજી મેળવીને સ્વનિર્ભર બની છે. એટલે સોથી વધુ આશરે 14000 મહિલાઓ સહિત 18 હજાર લોકોને રોજગારી પુરી પાડતા આ ઉધોગ સામે હવે અસ્તિત્વ માટે મોટો પડકાર ઉભો થયો છે. આ અંગે ઘડિયાળ ઉધોગના અગ્રણી ઉધોગપતિ શશાંક દંગીએ કહ્યું હતું કે, ગયા વર્ષે અત્યાર સુધી સૌથી વધુ ભયકર મંદીનો સામનો કર્યો છે. ડોમેસ્ટિક માર્કેટમાં ઘડિયાળની કિંમત કરતા કન્ટેનરના ભાડા વધુ હોવાથી નફો કરતા નુકશાન થાય છે.

ચાઇનની ઘડિયાળ સામે મોરબીની ઘડિયાળ ભાવમાં પાછી પડે છે

ચાઈના સામે સીધી ટક્કર હોય પણ ચાઈનાની ઘડીયાળ સસ્તી હોય મોરબીની ઘડિયાળ એની સામે મોંઘી તૈયાર થતી હોય અને બજારમાં મોરબીની ઘડિયાળ પાછી પડતી હોય નાના ઉધોગકારો બેહાલ થઈ ગયા છે. આથી હવે આ ઉંધીગને ઉગારવા માટે સરકાર કોઈ રાહતલક્ષી પેકેજ કે જેમાં ડોમેસ્ટિક માર્કેટમાં લેવલ જળવાઇ રહે,  ઉધોગોને ઈન્ફાસ્ટરકર, રો મટીરીયલમાં રાહત તેમજ ખાસ આ ઉધોગને 18 ટકા જીએસટીના દાયરા લેવાની અપેક્ષા છે. આથી હજુ પણ આવી ને આવી ગંભીર પરિસ્થિતિ રહેશે તો ઘડિયાળના નાના યુનિટોને એક પછી એક એમ બધા બંધ પડી જશે તેવું જણાવ્યું હતું.

10  વર્ષ પહેલાં પણ 120 જ યુનિટો હતા

મોરબી કલોક એસોના ભૂતપૂર્વ પ્રમુખ શશાંક દંગીએ જણાવ્યું હતું કે, આજથી દસ વર્ષ પહેલાં કલોકના નાના મોટા 120 જેટલા જ યુનિટો હતા અને હાલ પણ આટલા જ યુનિટો છે. તેઓ  મોરબી કલોક એસોસિએશનના પ્રમુખ રહીને કલોક ઉંધીગના હિતમાં કામગીરી કરી ઘડિયાળ ઉદ્યોગની સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડી હોવાથી  ચૂંટણી વગર 17 વર્ષ સુધી મોરબી કલોક એસોના પ્રમુખ રહ્યા હતા અને આ ઉધોગના સંલગ્ન  બોક્સ, ઘડિયાળ માટેની પ્લાસ્ટિકની વસ્તુઓ અને ગિફ્ટ આર્ટિકલ સહિતના 200થી વધુ યુનિટો જોડાયેલા છે. જ્યારે તેમની છેલ્લી ટર્મમાં આંતરિક વિવાદ થતા કલોક એસોસિએશનને વિખેરી નાખવામાં આવ્યું હતું. એટલે હાલ મોરબી એસો.ના કોઈ પ્રમુખ જ નથી. ઓરેવા ગ્રુપ, સોનમ કલોક સહિતના મોટા ઉધોગ ગૃહો અન્ય દેશોમાં બેસ્ટ ક્વોલિટીની ઘડિયાળનો નિકાસ કરે છે. બાકી 120 યુનિટોનો આધાર તો ડોમેસ્ટિક માર્કેટ પર નિર્ભર છે. પણ હાલ આ નાના યુનિટોની પરિસ્થિતિ ગંભીર હોય હજુ પણ સરકાર બજેટમાં રાહત લક્ષી પેકેજ નહિ ફાળવે તો કદાચ ભવિષ્યમાં આ નાના યુનિટોનું ભવિષ્ય અંધકારમય બની જશે.