Monday - May 04, 2026

વીજ લાઈન મુદ્દે ટંકારામાં અગ્રણીઓએ ગજાવી ખેડૂતોની મહાસભા

વીજ લાઈન મુદ્દે ટંકારામાં અગ્રણીઓએ ગજાવી ખેડૂતોની મહાસભા

વીજ લાઇનમાં અન્યાય મામલે છેક સુધી લડી લેવાનો રણટંકારા, મોરબી ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે પહોંચી ઐતિહાસિક ટ્રેકટર યાત્રા

મોરબી : છેલ્લા ઘણા સમયથી વીજલાઈન પ્રશ્ને ખેડૂતો દ્વારા વિવિધ માગણીઓને લઈને ઉગ્ર માગ કરવામાં આવી રહી છે. જો કે તંત્ર દ્વારા યોગ્ય રીતે માગણીઓ ન સંતોષાતા આખરે આજે મોરબી જિલ્લાના ટંકારામાં ખેડૂતોની મહાસભા યોજાઈ છે. જ્યાં બહોળી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા છે. મહાસભા બાદ ખેડૂતો અગ્રણીઓની આગેવાનીમાં ખેડૂતો ટ્રેક્ટર લઈને મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપશે.

ટંકારા તાલુકાના ખેડૂતો 765 કેવી હાઈ વોલ્ટેજ વીજ ટ્રાન્સમિશન લાઈન સામે આક્રોશમાં ઉતર્યા છે. આ લાઈન અનેક ગામોના ખેતરોમાંથી પસાર થતી હોવાથી ખેડૂતોને ખેતી અને જમીનને ભારે નુકસાન થવાની ચિંતા છે. ખેડૂતોએ ટંકારાથી 300થી વધુ ટ્રેક્ટરો સાથે મોટી કૂચ શરૂ કરી છે. આ કૂચ લતીપર ચોકડી ખાતે આવેલા પાર્ટી પ્લોટ પરથી "જય જવાન જય કિસાન"ના નારા સાથે શરૂ થઈ અને બપોર સુધીમાં મોરબી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપવામાં આવશે.
 

વીજ લાઈન મુદ્દે ટંકારામાં અગ્રણીઓએ ગજાવી ખેડૂતોની મહાસભા

ખેડૂતોના મુખ્ય આક્ષેપોમાં કંપની દ્વારા ટાવર બેઝ અને લાઈન પસાર થતા વિસ્તાર માટે અપૂરતું વળતર, લાઈનને વાંકીચૂકી રીતે લઈ જવાથી વધુ જમીનનું નુકસાન અને ખેતીમાં અવરોધનો સમાવેશ થાય છે. તેઓ તાત્કાલિક વળતર, નિયમિત ભાડું (રેન્ટ) અને જરૂરી હોય તો રૂટમાં ફેરફારની માગણી કરી છે. વહીવટી તંત્ર અને કલેક્ટર કચેરી પર પણ ગંભીર આક્ષેપો ઉઠાવવામાં આવ્યા છે કે તેઓ કંપનીની તરફેણમાં વર્તે છે અને ખેડૂતોની ફરિયાદોને અવગણે છે. ખેડૂતો આ વર્તનને "હુકમી" અને "જી હજુરીયા" ગણાવે છે.

લડતમાં ખેડૂત અગ્રણીઓ જેમ કે, મહેશ રાજકોટિયા, પાલ આંબલિયા, જયેશ પટેલ, લાલજી દેસાઈ, કિશોર ચિખલિયા સહિત અનેક નેતાઓએ ખભે ખભો મિલાવીને સહયોગ આપ્યો છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત અન્ય નેતાઓ પણ સભા સ્થળે પહોંચ્યા હતા. ટંકારા તાલુકાના તમામ ગામોના ખેડૂતો એકજૂટ થયા છે અને જિલ્લાના અન્ય ખેડૂતો પણ જોડાયા છે. આ વિરોધ હવે સ્થાનિક સ્તરેથી રાષ્ટ્રીય ખેડૂત આંદોલન સાથે જોડાઈ ગયો છે. ખાસ વાત એ છે કે ભારતીય કિસાન યુનિયન (BKU)ના અધ્યક્ષ રાકેશ ટિકૈત સુધી આ મુદ્દો પહોંચ્યો છે. મહેશ રાજકોટિયાએ રાકેશ ટિકૈત સાથે ટેલીફોનિક વાતચીત કરી સમસ્યાઓ જણાવી હતી. રાકેશ ટિકૈતે જરૂર પડે સાથ-સહકાર આપવાની ખાતરી આપી છે, જેનાથી લડતને રાજ્યની સીમાઓ વટીને રાષ્ટ્રીય સ્તરે મજબૂતી મળી છે. ખેડૂતોનું કહેવું છે કે હક્ક અને હિતના પ્રશ્ને તેઓ છેલ્લે સુધી લડશે. આ વિરોધને નવો જોશ મળ્યો છે અને તેઓ આંદોલનને વધુ આક્રમક બનાવવા તૈયાર છે.
 

વીજ લાઈન મુદ્દે ટંકારામાં અગ્રણીઓએ ગજાવી ખેડૂતોની મહાસભા