Thursday - Jul 02, 2026

માળીયામાં પ્રાથમિક શાળાના નિર્માણ માટે કિશાનનું ભૂમિદાન

માળીયામાં પ્રાથમિક શાળાના નિર્માણ માટે કિશાનનું ભૂમિદાન

"માના અપની જોબ સે ફકીર હૈ, પર દિલ કે યારો હમ અમિર હૈ" સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂતે પોતાની કિંમતી જમીન દાનમાં આપી "આમિર" નેતાઓના અંતર આત્માને જગાડવાનો સરાહનીય પ્રયાસ કર્યો

મોરબી : એક શેઢા માટે સગી જનેતાના બે પુત્રો વચ્ચે મારામારી અને કાપાકાપી થતી હોવાના આ હળાહળ કળયુગમાં અન્નદાતા એટલે દિવસ રાત કાળી મજૂરી કરી જગતને અન્ન પૂરું પાડતા સામાન્ય આર્થિક સ્થિતિ વચ્ચે પણ એક કિશાનની "માના અપની જોબ સે ફકીર હૈ, પર દિલ કે યારો હમ આમિર હૈ" જેવી દેલેરી સામે આવી છે. જેમાં મોરબી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વિકાસની દ્રષ્ટિએ અતી પછાત ગણાતા માળીયા મિયાણા તાલુકાના એક ઉદાર મનના ખેડૂતે માનવતા અને શિક્ષણ પ્રત્યેના પ્રેમોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માળીયા મિયાણાના ખેડૂત સુભાનભાઈ બાવાભાઈ સંધવાણીએ પોતાની હક માલીકીની કિંમતી જમીન ગામના બાળકોના ભવિષ્ય માટે, એટલે કે પ્રાથમિક શાળા બનાવવા માટે સરકારને દાનમાં અર્પણ કરી છે.

પ્રજાસત્તાક પર્વે વિશેષ સન્માન સુભાનભાઈના આ ભગીરથ કાર્યની કદર રૂપે, તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન મામલતદાર શ્રી દ્વારા તેમનું જાહેર મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તિરંગાની સાક્ષીમાં જ્યારે આ ખેડૂતનું સન્માન થયું ત્યારે ઉપસ્થિત સૌ કોઈની આંખોમાં આદરના ભાવ જોવા મળ્યા હતા
લોકોમાં પ્રશંસાની લહેર
આજના સમયમાં જ્યારે કોઈ એક રૂપિયો પણ જતો કરવા તૈયાર નથી, ત્યારે સુભાનભાઈએ પોતાની જમીન દાનમાં આપીને સાબિત કર્યું છે કે "દાન એ જ સાચી કમાણી છે." આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં તેમની વાહ-વાહી થઈ રહી છે.
"બાળકો ભણી-ગણીને આગળ વધે અને ગામનું નામ રોશન કરે તે જ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. જમીન તો આજે છે ને કાલે નથી, પણ શિક્ષણ થકી મળેલી જ્ઞાનની જ્યોત પેઢીઓ સુધી ટકશે."

દિલેર કિશાન સુભાનભાઈ સંધવાણી
મુખ્ય અંશો:
દાતાનું નામ: સુભાનભાઈ બાવાભાઈ સંધવાણી
દાનનો હેતુ: સરકારી પ્રાથમિક શાળાનું નિર્માણ
સન્માનકર્તા: મામલતદાર (તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક દિન)
વિશેષતા: નિઃસ્વાર્થ ભાવે શિક્ષણના કાર્યમાં સહયોગ
ગામના આગેવાનો અને શિક્ષણ પ્રેમીઓએ સુભાનભાઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જમીન પર બનનારી શાળા આવનારા સમયમાં અનેક તેજસ્વી તારલાઓ તૈયાર કરશે. સુભાનભાઈનું આ કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.