Sunday - May 17, 2026

જમીન દલાલની મર્ડર મિસ્ટ્રી : શકદાર "બાલુ"એ ચહેરાના હાવભાવને કળવા ન દઈ પોલીસને ચકરાવે ચડાવી

જમીન દલાલની મર્ડર મિસ્ટ્રી : શકદાર

જમીન દલાલ ગુમ થયા બાદ શકદારે રીઢા ગુનેગારની જેમ મોઢું ન ખોલતા આખરે પોલીસે કડક પૂછપરછ કરતા હત્યાનો ભેદ ખુલ્યો, મુખ્ય આરોપી સહિત 5   ઝડપાયા, હજુ 2 પોલીસની પકડથી દૂર

મોરબી: શહેરના ચકચારી તાજમહમંદભાઇ ભટ્ટી હત્યા કેસમાં મોરબી પોલીસે ગણતરીના કલાકોમાં મોટી સફળતા મેળવી છે. પૂર્વ આયોજિત કાવતરું રચીને કરવામાં આવેલી આ ઘાતકી હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપીઓ સહિત 5 શખ્સોને દબોચી લીધા છે. ડીવાયએસપી જે.એમ. આલે ધરપકડ અંગેની સત્તાવાર વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

મર્ડર મિસ્ટ્રીની સમગ્ર તપાસ દરમિયાન પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને બાલુભાઈ થોભણભાઈ અઘારા, થોભણભાઈ ઘેલાભાઈ અઘારા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાધડીયા, જયદિપભાઈ કાનાભાઈ સેરશીયા એમ આ 5 આરોપીઓની ધરપકડ કરી છે. ડીવાયએસપી આલે જણાવ્યું કે, તાજમહમંદભાઇ ગુમ થયાની નોંધ થયા બાદ પોલીસ શકમંદો પર નજર રાખી રહી હતી. શકદાર બાલુભાઈ થોભણભાઈ અઘારાની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેણે ભાંગી પડીને હત્યાની કબૂલાત કરી હતી. આરોપીએ કબૂલ્યું હતું કે જમીનના સોદામાં આપેલા 5 લાખ રૂપિયા પરત મેળવવા અને દસ્તાવેજ બાબતે ચાલી રહેલી માથાકૂટનો અંત લાવવા તેમણે આ પ્લાન બનાવ્યો હતો. FIRમાં નોંધાયેલા 7 આરોપીઓ પૈકી હજુ પણ ભાવેશ થોભણભાઈ અઘારા અને જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા પોલીસ પકડથી બહાર છે. આ આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં ટીમો રવાના કરી છે.

ડીવાયએસપી જે.એમ. આલના જણાવ્યા મુજબ, જમીનના સોદાના 5 લાખ રૂપિયા પરત મેળવવા માટે આ તમામ સંબંધીઓએ એકસંપ થઈને તાજમહમંદભાઇનું અપહરણ કર્યું અને ભડિયાદ પાસેના ફાર્મ હાઉસમાં ઢોર માર મારીને હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પુરાવાનો નાશ કરવા લાશને સળગાવીને દાટી દીધી હતી. આરોપીઓમાં પિતા, પુત્ર, ભત્રીજો, ભાઈ, જમાઈ જેવા સભ્યો આ ગુનામાં સામેલ છે.

પોલીસ હવે પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. આ સાથે જ હત્યામાં વપરાયેલા પ્લાસ્ટિકના પાઇપ, લાકડાના બડીકા જેવા હથિયારો તેમજ અપહરણ અને લાશના નિકાલ માટે ઉપયોગમાં લેવાયેલી ફોર્ચ્યુનર જેવી ગાડીઓ કબજે કરવાની પ્રક્રિયા પીઆઇ વી.એન. પરમાર સહિતની ટીમ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.