Sunday - Jul 12, 2026

ટંકારાની ધાડના ગુનામાં સંડોવણી ખુલતા લખધીરગઢના શખ્સની અટકાયત

ટંકારાની ધાડના ગુનામાં સંડોવણી ખુલતા લખધીરગઢના શખ્સની અટકાયત

ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર હોટલ ખજૂરાના પાર્કિંગમાંથી અઠવાડિયા પૂર્વે આંગડિયા પેઢીના માલિકની કારમાંથી રૂ.90 લાખની ધાડ કરવાના ગુનામાં પોલીસે અગાઉ બે શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ ગંભીર ગુનાના પોલીસની તપાસમાં ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના શખ્સની સંડોવણી ખુલતા અટકાયતમાં લઈને ઉલટ તપાસ હાથ ધરી છે અને આ ધાડના બનાવના મૂળ સુધી પહોંચવાની તપાસમાં મહત્વપૂર્ણ કડી મેળવી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ - મોરબી હાઇવે ઉપર અઠવાડિયા પૂર્વે આંગડિયા સંચાલકની કારનો પીછો કરી ટક્કર મારી ટંકારા નજીક હોટલ ખુજરાના પાર્કિંગમાંથી રૂ.90 લાખની રોકડની લૂંટ- ધાડ મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે.પોલીસે આ લૂંટના બનાવના સ્થાનિકની સંડોવણી અંગે તપાસ કરતી હોય જેમાં લગધીરગઢ ગામના દિગ્વિજય અમરશીભાઈ ઢેઢી ઉ.32 નામના યુવાનની સંડોવણી સામે આવતા હાલના આ યુવાનને અટકાયતમાં લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ યુવાન તાજા ભૂતકાળમાં આર્થિક ભીંસમાં લાપતા બન્યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.બીજીતરફ આ લૂંટ - ધાડમાં દક્ષિણ ગુજરાત સુધી તપાસ લંબાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સંજોગોના લૂંટની ઘટના સમયે રાજકોટ હાઇવે ઉપર જેની હાજરી હતી તેવા લગધીરગઢ ગામના દિગ્વિજય ઢેઢીની પૂછપરછમાં પોલીસને અનેક રહસ્યોનો જવાબ મળે તેમ હોવાનું પણ સૂત્રો ઉમેરી રહ્યા છે.