Wednesday - Jul 29, 2026

લજાઈ ચોકડીએ ચક્કાજામ મુદ્દે 18 સામે મંજૂરીના નામે કાર્યવાહી થતા ભારે રોષ

લજાઈ ચોકડીએ ચક્કાજામ મુદ્દે 18 સામે મંજૂરીના નામે કાર્યવાહી થતા ભારે રોષ

રાજકોટ - મોરબી હાઇવે જોખમી હાલતને કારણે તંત્રની આંખ ઉઘાડવા સ્થાનિકોએ થોડીવાર માટે ચક્કાજામ કરતા પોલીસે ગુનો નોંધ્યો

મોરબી : રાજકોટ - મોરબી હાઇવે પર મોરબીથી ટંકારા સુધીનો સ્ટેટ હાઈવે અત્યંત બિસ્માર બની ગયો છે ત્યારે જોખમી બનેલા રોડ અંગે રસ્તા પર ઉતરી ચક્કાજામ કરી રહેલા 18 વ્યક્તિઓ વિરૂદ્ધ ટંકારા પોલીસે ગુન્હો નોંધી અટકાયત કરતા ચકચાર જાગી છે.

રાજકોટ - મોરબી હાઇવે ફોરલેન બન્યો ત્યારથી નબળું કામ થયું હોય હાલમાં મોરબીથી ટંકારા સુધીનો માર્ગ અત્યંત જોખમી બની ગયો હોવાથી ગઈકાલે લજાઈ ચોકડી ખાતે સ્થાનિક આગેવાન હાર્દિક નાનજીભાઈ ઘોડાસરા રહ.રવાપર ચોકડી, મોરબી, બંસીભાઈ દિનેશભાઇ દલસાણીયા રહે.કન્યા છાત્રાલય રોડ, મોરબી, પંકજ દયારામભાઈ મસોત રહે.લજાઈ અને અન્ય 15 જેટલા અજાણ્યા લોકોએ બેનર સાથે રોડ પર ઉતરી આવી બિસ્માર રસ્તા મુદ્દે વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરતા ટંકારા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરતા લોકોમાં રોષની લાગણી જન્મી છે.ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અગ્રણીઓ અને ખેડૂત આગેવાન દ્વારા બિસ્માર હાઈવે અંગે તંત્રને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે તેવા સમયે જ ચક્કાજામ કરનાર લોકો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી ટીકાને પાત્ર બની છે.