Wednesday - Jul 29, 2026

મોરબીમાં પતિની સતત માથાકૂટથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી મહિલાનું 181 અભયમેં પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન

મોરબીમાં પતિની સતત માથાકૂટથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી મહિલાનું 181 અભયમેં પરિવાર સાથે કરાવ્યું પુનઃમિલન


સંવેદનશીલ કાઉન્સિલિંગ બાદ પરિજનોને સહીસલામત સોંપી પરિવારને કાયદાકીય માર્ગદર્શન અપાયું

મોરબી : મોરબીમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે વધુ એક સંવેદનશીલ અને પ્રશંસનીય કામગીરી કરીને પતિ સાથેના ઘરેલુ વિવાદને કારણે ઘરેથી નીકળી ગયેલી પરિણીત મહિલાનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન કરાવ્યું હતું. કાઉન્સેલિંગ અને સમજાવટ બાદ મહિલાને સહીસલામત પરિજનોને સોંપવામાં આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

મળતી માહિતી મુજબ, 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે એક મહિલા ગભરાયેલી અને ચિંતિત હાલતમાં એકલી બેઠી છે અને તેમને મદદની જરૂર છે. જાણ મળતાં જ 181 અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ નિતેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા મહિલાને સુરક્ષિત સ્થળે બેસાડવામાં આવી હતી.

અભયમ ટીમે મહિલાનું શાંતિપૂર્વક અને સંવેદનશીલતાથી કાઉન્સેલિંગ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમના પતિ વારંવાર નાની-મોટી બાબતોમાં માથાકૂટ કરતા હોવાથી તેઓ માનસિક રીતે વ્યથિત થઈ ગયા હતા. આથી કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા.

ત્યારબાદ અભયમ ટીમે મહિલા પાસેથી મળેલી વિગતોના આધારે તેમના પરિવારજનોનો સંપર્ક સાધ્યો અને તેમના સરનામે પહોંચી મહિલાનું સહીસલામત રીતે પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. સાથે જ પરિવારના સભ્યોનું પણ કાઉન્સેલિંગ કરી પરસ્પર સમજણ, સહનશીલતા અને પરિવારના સભ્યો સાથે સન્માનપૂર્ણ વર્તન રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ઘરેલુ વિવાદો ઉગ્ર સ્વરૂપ ન ધારણ કરે તે માટે જરૂરી કાયદાકીય માહિતી અને સલાહ પણ આપવામાં આવી હતી.

181 અભયમ ટીમની સમયસરની કામગીરી અને સંવેદનશીલ અભિગમના કારણે મહિલાનું પરિવાર સાથે સુખદ પુનઃમિલન શક્ય બન્યું હતું. પરિવારજનોએ ટીમનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી આપી હતી.