Wednesday - Jul 29, 2026

વાંકાનેરના ખીજડિયા પ્રાથમિક શાળાની શિક્ષિકા વિરુદ્ધ ઉચ્ચકક્ષાએ રજુઆત

વાંકાનેરના ખીજડિયા પ્રાથમિક શાળાની શિક્ષિકા વિરુદ્ધ ઉચ્ચકક્ષાએ રજુઆત

વાલીઓએ વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ, ભેદભાવ અને શાળાનું વાતાવરણ બગાડવાના આક્ષેપો સાથે તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ

મોરબી : વાંકાનેર તાલુકાના ખીજડિયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા નઝમાબેન કડીવાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ નિયામક પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર સુધી લેખિત રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ, સંબંધિત શિક્ષિકા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપતા હોવાના, વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખતા હોવાના તેમજ શાળાનું અને ગામનું વાતાવરણ બગાડતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી વિરુદ્ધ વીડિયો બનાવવાનું દબાણ કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે અગાઉ પણ સંબંધિત શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ થતાં ફરજમાં બેદરકારીના મુદ્દે તેમની પાસેથી આચાર્યનો ચાર્જ પરત લેવામાં આવ્યો હતો. હાલ શાળાના આચાર્ય લાંબી રજા પર હોવાથી વહીવટી કામગીરી તેઓ સંભાળતા હોવાનું જણાવાયું છે.

રજુઆત મુજબ તા. 11 જૂન, 2026ના રોજ એક વાલી પોતાના બાળકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લેવા ગયા હોવા છતાં તે આપવામાં આવ્યું ન હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે અંગત કામ કરાવવાના અને શિક્ષણના અધિકાર (RTE)ની જોગવાઈઓનો ભંગ થતો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
રજુઆતકર્તાઓએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, આ અંગે સંબંધિત શિક્ષિકાનો પક્ષ જાણવા મળી શક્યો નથી.