મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે કોયબા અને રાજસ્થળી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. આ ઉપરાંત પાણી ભયજનક સપાટીએ વહેતા જીલ્લાના 18 જેટલા રોડ બંધ કરવાની ફરજ પડી છે. જ્યારે વૃક્ષ પડવાની 2 ઘટનાઓ સામે આવી હતી જેમાં ફોરેસ્ટ અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી ચાલુ છે.
જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે જણાવ્યું છે કે, મોરબીમાં હાલની સ્થિતિ પ્રમાણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત મોડી રાતથી આજના સાંજના છ વાગ્યા સુધી સતત એકધારો વરસાદ પડ્યા બાદ સાંજે વરસાદનું જોર થોડું ઘટ્યું છે પરંતુ સંપૂર્ણપણે બંધ થયો નથી. આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય સમગ્ર તંત્ર એક્શન મોડ ઉપર હોવાનું અને જિલ્લામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટું નુકસાન ન થયાનો દાવો કર્યો છે.
જિલ્લાના 15 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
જિલ્લામાં 15 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલ છે અને 5 વીજપોલ પડ્યાની માહિતી સામે આવી છે. આથી જિલ્લાની સમગ્ર PGVCL ની ટીમ ડેટા એકત્ર કરીને સત્વરે કામગીરી કરી રહી છે. કોયબા અને રાજસ્થળી એમ 2 ગામો હાલ સંપર્ક વિહોણા થયા છે. અગાઉ પણ રાજસ્થળી ગામનો સંપર્ક તૂટ્યો હતો જે સાંજ સુધીમાં પૂર્વવત થઈ ગયો હતો. વરસાદ રોકાતા જ આ બંને ગામોનો સંપર્ક ફરી પ્રસ્થાપિત કરવા પ્રયાસો કરાશે તેવું કલેકટરે જણાવ્યું છે.