કૃષિ ઉત્પાદનો પર આયાત ડ્યુટી વધારવા, ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા કલેકટરને આવેદન અપાયું
મોરબી : મોરબીમાં નેનો યુરિયાની બોટલ ફરજિયાતપણે આપવા સામે વિરોધ નોંધાવી અને ડીએપી અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન હોય ખેડૂતોને હાલાકી પડી રહી હોવાથી ડીએપી (DAP) અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો વિતરણ કેન્દ્રો પર આપવા અને કૃષિ ઉત્પાદનો પર આયાત ડ્યુટી વધારવાની માંગ સાથે મોરબી જિલ્લા ભાજપના યુવા કિસાન અગ્રણી અજયભાઈ અને મોરબી જિલ્લા કિસાન સંઘના પૂર્વ ઉપપ્રમુખ હેમરાજભાઈ જીવાણીએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશથી થતા કૃષિ ઉત્પાદનોની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વધારવી જોઈએ. આ પગલું દેશના ખેડૂતોને તેમના પાકનો પૂરતો પોષણક્ષમ ભાવ મેળવવામાં મદદ કરશે. ખેતી માટે અત્યંત જરૂરી એવા ડીએપી અને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો વિતરણ કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને, ખાતર વિતરણ કેન્દ્રો દ્વારા યુરિયા ખાતર સાથે નેનો યુરિયાની બોટલ ફરજિયાતપણે આપવા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું કે આ પ્રથા ગેરવાજબી છે અને ખેડૂતો પર આર્થિક બોજ વધારે છે. તેમણે માંગ કરી છે કે જે વિતરણ ધારકો આવું ફરજિયાત વેચાણ કરતા હોય તેમની સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.તેવી માંગ કરી છે.