ગ્રામજનોએ દારૂબંધીની કડક અમલવારીના અભાવ મામલે પોલીસની કામગીરી ઉપર ઉઠવ્યા વેધક સવાલ
મોરબી : મોરબીના લૂંટાવદર ગામે સીમમાં ઘણા સમયથી પોલીસની રહેમ નજર હેઠળ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ગ્રામજનોએ જનતા રેડ કરી હતી. ગ્રામજનોએ દેશી દારૂનો મોટો જથ્થો પકડી આ દારૂનો નાશ કરીને દારૂબંધીની કડક અમલવારીના અભાવ મામલે પોલીસની કામગીરી સામે વેધક સવાલ ઉઠાવીને ફિટકાર વરસાવ્યો હતો.
મોરબીના લૂંટાવદર ગામે તાલુકા પોલીસને કરવાનું કામ ગ્રામજનોને કરવું પડ્યું હતું. જેમાં લૂંટાવદરના ગ્રામજનોના જણાવ્યા અનુસાર લૂંટાવદર ગામની સીમમાં લાંબા સમયથી દેશી દારૂની બદી ધમધમતી હતી. આ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાથી દારૂના દુષણથી બહેનો, દીકરીઓને નીકળવું મુશ્કેલ થઈ પડ્યું હતું અને અસામાજિક તત્વો પણ દારૂના નશામાં ખેલ કરતા હોવાથી ગામમાં ભારે ભયનું વાતાવરણ સર્જાતું હતું. આથી દેશી દારૂની ભઠ્ઠીથી ગ્રામજનોની અસ્તિમતા ઉપર ખતરો ઉભો થયો હતો. આ બાબતે રજુઆત કરવા છતાં દેશી દારૂના દુષણ ઉપર પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અંતે ગતરાત્રે ગ્રામજનોને ગામની સીમમાં આવેલી દેશી દારૂની ભઠ્ઠી ઉપર જનતા રેડ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન બુટલેગરો હાથ આવ્યા ન હતા. આથી ગ્રામજનોએ દેશી દારૂ ભરેલા બેરલો, આથો, ગોળ સહિતના સાધનોને ઝડપી હતા. ગ્રામજનોએ દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લેતા જવાબદાર પોલીસની કામગીરી ઉપર શંકાની સોય તકાય છે. દેશી દારૂ ઉપર જનતા રેડ બાદ જિલ્લા પોલીસ વડા જવાબદાર પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ ? તે જોવાનું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં એકપણ શહેર કે ગામ દારૂના દુષણથી બાકાત નથી. વર્ષોથી દારૂબંધીનો અમલ માત્ર કાગળ ઉપર જ રહી છે. પોલીસ માત્ર પાંચ, સાત લીટર દારૂ કે એકાદ બે બુટલેગરને પકડીને કામગીરી કર્યોનો સંતોષ માને છે. ત્યારે આવી પરિસ્થિતિને કારણે દારૂબંધીનો કડક અમલ થાય એવા ઉજળા સંજોગો દેખાતા નથી.