Friday - Mar 21, 2025

જાલસિકા--વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયત હોવા છતાં આરોગ્ય સુવિધાની કમી

જાલસિકા--વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયત હોવા છતાં આરોગ્ય સુવિધાની કમી

વાંકાનેર તાલુકાના જાલસિકા--વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયત હોવા છતાં શિક્ષણ, આરોગ્ય સુવિધાની કમી છે. જેમાં વાંકાનેરના વસુંધરા ગામે શિક્ષણ વ્યવસ્થા હજુ સુધી પાંગણી હોય એમ આ ગામે બાળકો માત્ર એક જ વર્ગખંડમાં બેસી 1થી8 ધોરણનું શિક્ષણ લેવા મજબુર છે. કારણ કે નવી શાળા જ હજુ બની નથી. એટલે એમ કહી શકાય છે કે, એક જ વર્ગખંડમાં ધો.1થી 8ની આખી શાળા ચાલે છે. જ્યારે આંગણવાડી પણ ન હોવાથી ભાડાના રૂમમાં ચાલે છે. તેનું ભાંડું પણ સરકારી તંત્ર ચૂકવતું નથી.

વાંકાનેર તાલુકાના જાલસિકા--વસુંધરા એમ આ બન્ને ગામની  સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ ધીરુભાઈ ડાંગરના જણાવ્યા મુજબ આ બન્ને ગામ રાજાશાહી વખતથી અસ્તિત્વમાં હોય અને વર્ષોથી સંયુક્ત ગ્રામ પંચાયત હોય એ બન્ને ગામની  2 હજારની વસ્તી અને આ વસ્તી ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર હોય ખેતી માટે સિંચાઇની સુવિધા હોય એટલે ખેડૂતોને લીલાલહેર હોય પણ ગામા પશુ દવાખાનું ન હોવાથી પશુપાલકો તેમજ લોકો માટે આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ભારે હાલાકી ભોગવવી પડે છે. જાલસિકા ગામે ધો.1થી 8ની સ્કૂલ હોય પણ વસુંધરામાં શાળાના બિલ્ડીંગની કમી છે. આથી નવી નિશાળ તેમજ વસુંધરા ગામા આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોય નવી આંગણવાડી બનાવવાની અગાઉ દરખાસ્ત થઈ હોવા છતાં ગામમાં આ માંગણી હજુ અધ્ધરતાલ રહી છે.

બન્ને ગામોમાં પીવાના પાણીની સમસ્યા

આ બન્ને ગામમાં સુવિધા જોઈએ તો 30 ટકા રોડના કામો,  ગટર અને કચરા નિકાલ સહિતની સુવિધા હોય એ આખું ગામ વ્યસન મુક્ત તેમજ સો ટકા વેજિટેરિયન તેમજ આ બન્ને ગામોના બધા જ માર્ગો ગાડામાર્ગ છે. દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી એકેય રોડ સારા નથી. આ બન્ને ગામોમાં મુખ્ય પીવાના પાણીનું દુઃખ છે અને નર્મદાની લાઈન એકેય ગામમાં નથી. નદી અને બોરમાંથી પંચાયત સ્વખચે પાણી પૂરું પાડે છે.

20 વર્ષથી ગ્રામજનોએ એસટી બસ જ જોઈ નથી.

જાલસીકા ગામમાં હોલ માતાજીનું પવિત્ર મંદિર હોય આ મંદિરને લઈને એસટી બસ ચાલુ કરવાની માંગ કરી છે. આ ગામમાં છેલા 20 વર્ષથી એસટી સુવિધા ન હોય એટલે વર્ષથી ગ્રામજનોએ એસટી બસ જ જોઈ નથી. તેથી વિદ્યાર્થીઓને એસટીનો લાભ આપવાની માંગ કરાઈ છે.

જમીનની માપણી વગર સોલાર ચાલુ કરી દેવાય

ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ગામમાં જમીનની માપણી વગર સોલાર ચાલુ કરી દેવાય છે અને સીમના માર્ગ સહિતના રસ્તાને બંધ કરી દેવાયા છે.  આથી ખેતરે ખેડૂતોને હાલ વાવણી માટે જવું હોય તો જઇ શકતા નથી.કંપનીના માણસો ખેડૂતોને ધમકાવે છે. એવી ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ખાણ ખનીજ વિભાગમાં રજુઆત કરી છતાં પગલાં લેવાયા નથી.