મોરબી:- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં મોટા પ્રમાણમાં ક્લેમ મામલે આજે આયુષ હોસ્પિટલમાં કલેકટરે તપાસના આદેશ આપ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલ ખાતે આવી તપાસ શરૂ કરી દીધી છે.
મળતી માહિતી પ્રમાણે મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પિટલમાં એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન 7786 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વિવિધ સારવાર આપી હોસ્પિટલ દ્વારા રૂપિયા 25 કરોડ 19 લાખ 49 હજાર 869 ની રકમનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. એવી જ રીતે એપ્રિલ 2024 થી નવેમ્બર 2024 દરમિયાન આયુષ હોસ્પિટલ દ્વારા 3,607 ક્લેમ કરી રૂપિયા 13 કરોડ 68 લાખ 28 હજાર 460 ની રકમ મળી 20 જ મહિનામાં કુલ રૂપિયા 34 કરોડ 86 લાખ 44 હજાર 157 ની રકમ મેળવી લેતા સમગ્ર મામલે હાલ સવાલો ઉઠવા પામ્યા છે.
જિલ્લા કલેકટરના ગઈ કાલના તપાસના આદેશ આપ્યા બાદ આજે જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ બપોરના સમયે હોસ્પિટલ ખાતે તપાસ માટે આવી હતી અહીં આરોગ્ય વિભાગની ટીમે દર્દીઓની સંખ્યા જાણવા સહિતની કામગીરી હાથ ધરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.