Sunday - Jul 05, 2026

મોરબીમાં ટ્રક ઉભો રાખવાને બદલે ભગાવી ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનની માથે ચડાવી દેવાનો પ્રયાસ

મોરબીમાં ટ્રક ઉભો રાખવાને બદલે ભગાવી ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનની માથે ચડાવી દેવાનો પ્રયાસ

મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક રોંગ સાઈડમાં આવી રહેલ આઇસર ટ્રક ચાલકને ટ્રાફિક નિયમભંગ કરવા બદલ કાર્યવાહી કરવા ઊભો રાખવા ઈશારો કરતા ટ્રક લઈ નાસી ગયો હતો. જેથી ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાને આઇસર ટ્રકનો પીછો કરતા આઇસર ચાલકે યુ ટર્ન મારી પોલીસ જવાનને મારી નાખવાને ઇરાદે ટ્રક માથે નાખતા બન્ને કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ આઇસર ચાલક વાહન મૂકી નાસી ગયો હતો.

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે જીજે - 01 - સીઝેડ - 9324 નંબરનો આઇસર ટ્રક રોંગ સાઈડમાં આવી રહ્યો હોય ટ્રાફિક શાખાના જમાદાર કિશોરભાઈ મનજીભાઈ સોલગામા અને ટીઆરબી જવાન મેહુલભાઈ ભોજાભાઈ સીતાપરાએ ટ્રક ચાલકને ઉભો રહેવા ઈશારો કરતા આઇસર ધીમું પાડી બાદમાં ભગાવી મૂક્યું હતું. બાદમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ અને મેહુલભાઈએ આઇસર ટ્રકનો બાઇકમાં પીછો કરતા આગળ જતા આઇસર ટ્રકના ચાલકે અચાનક યુ ટર્ન મારી પુરપાટ ઝડપે સામે આવી કિશોરભાઈના બાઈક માથે નાખતા કિશોરભાઈ અને મેહુલભાઈ રોડ ઉપર પડી જતા બન્નેને ઇજાઓ પહોંચી હતી. જો કે, ઘટનાને પગલે વાહન ચાલકો એકત્રિત થઈ જતા આઇસર ટ્રકનો ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. હાલમાં બનાવ અંગે ટ્રાફિક જમાદાર કિશોરભાઈ સોલગામાંની ફરિયાદને આધારે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.