માળીયા નગર પાલિકાની બે બેઠક અને તાલુકા પંચાયતની વાંકાનેર - માળીયા બેઠકની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવાર જાહેર
મોરબી : આગામી તા.16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર 66 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ પેટા ચૂંટણી અને તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી સંદર્ભે આજે ઉમેદવારીપત્ર ભરવાના આખરી દિવસે પ્રદેશ ભાજપ નેતાગીરીએ મોરબી જિલ્લાની હળવદ અને વાંકાનેર નગર પાલિકાના 56 ઉમેદવારો જાહેર કરવાની સાથે માળીયા પાલિકાની બે બેઠક અને વાંકાનેર - માળીયા તાલુકા પંચાયતની એક - એક બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા છે.
આગામી તા.16મી ફેબ્રુઆરીના રોજ રાજ્યની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકા અને મહાનગર પાલિકા તેમજ તાલુકા - જિલ્લા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે જેમાં આજે તા.1 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્ર ભરવાનો આખરી દિવસ હોય ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોડીરાત્રે પ્રદેશ ભાજપે મોરબી જિલ્લાની હળવદ અને વાંકનેર નગર પાલિકાના 56 ઉમેદવારો જાહેર કર્યા હતા. આ ઉપરાંત માળીયા મિયાણા નગર પાલિકાની ખાલી પડેલી બે બેઠક તેમજ વાંકાનેર તાલુકાની ચંદ્રપુર અને માળીયા મિયાણા તાલુકાની ખાલી પડેલી સરવડ બેઠક માટે પણ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.