Friday - Jan 24, 2025

મોરબીના લક્ષ્મીનગરના પૂર્વ સરપંચના પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

જન્મદિવસ દરેક વ્યક્તિનો યાદગાર દિવસ હોય છે. આથી ઘણા યુવાનો તેમજ ધનિક લોકો પરિવાર, મિત્રો તેમજ સગા સ્નેહીજનોને મોજથી પાર્ટી આપી કેક કાપીને મોભાદાર રીતે પોતાના જન્મદિનની ઉજવણી કરતા હોય છે. ત્યારે સમાજને નવો રાહ ચિધવા માટે મોરબીની નજીક આવેલા લક્ષ્મીનગર  ગામના પૂર્વ સરપંચના પુત્ર હિમાંશુભાઈ બાલકૃષ્ણભાઈ વિરસોડિયાએ આજે પોતાના જન્મદિનની પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી હતી. જેમાં મોરબીના સર્કિટ હાઉસ, નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે, ત્રાજપર ચોકડી સહિતના શહેરના વિવિધ સ્થળોએ નિરાધાર હાલતમાં રહીને રખડતું ભટકતું જીવન ગુજારતા ગરીબ લોકોને શિયાળાની ઠંડીને ધ્યાને લઈને ગરમ ધાબળા આપ્યા હતા. ત્યારે આ યુવાને કહ્યું હતું કે, પોતે જન્મદિવસની ભવ્ય ઉજવણી કરીને પોતે જ આનંદ અનુભવવાને બદલે આપણા થકી બીજાના ચહેરા પણ ખુશી આવી જતી હોય તો એનાથી મોટું એકેય પુણ્યકામ નથી. ઈશ્વર આપણને બીજાને મદદરૂપ થવા માટે નિમિત્ત બનાવ્યા છે. એટલે તેઓએ હાલમાં શરૂ થયેલી ગુલાબી ટાઢથી શહેરમાં રખડતું ભટકતું જીવન ગુજારતા લોકોને ગરમ ધબળાની હૂંફ આપીને દરેકને પોતાના જન્મદિવસને આ રીતે યાદગાર બનાવવા બીજાને મદદરૂપ થવાનો સંદેશ આપ્યો છે.