27 એપ્રિલે નવમાં સમૂહલગ્નમાં 21 નિરાધાર દીકરીઓના પાર્ટી પ્લોટમાં ઠાઠમાઠથી લગ્ન કરીને સાસરે વળાવશે
મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર રેલ્વે સ્ટેશન પાસે આવેલા ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર હવે ભક્તિભાવ અને શ્રદ્ધાની સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું ધામ બની ગયું છે. ખાસ કરીને ઘણી નિરાધાર દીકરીઓ જેમાં કે કોઈએ માતાની તો કોઈએ પિતાની છત્રછાયા ગુમાવી હોય કે કોઈ દીકરીએ માતાપિતા બન્ને ગુમાવ્યા હોય તો તેમના લગ્ન કરવાના વાજતેગાજતે કોડ ક્યારેક અધૂરા રહી જાય છે. આવા સંજોગોમાં આવી નિરાધાર દીકરીઓની વ્હારે ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું છે.
ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ એક માવતરની જેમ આત્મીતા દર્શાવી નિરાધાર દીકરીઓના લગ્ન કરવાના તમામ અરમાનો પુરા કરવામાં આવે છે. કોઈ વૈભવી લગ્ન સમારંભ હોય એમ પાર્ટી પ્લોટમાં સમૂહલગ્નો ગોઠવી આ લગ્નમાં કોઈપણ જાતની કચાશ રાખવામાં આવતી નથી. આ રીતે ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા આઠ વર્ષમાં નિરાધાર હોય એવી 119 દીકરીઓના ઠાઠમાઠ લગ્ન કરીને દોઢ તોલુ સોનુ સહિત તમામ ઘરવખરીની ચીજો આપી સુખીથી ઘરસંસાર વસાવવામાં આવ્યો છે. ત્યારે ધક્કાવાળી મેલડી માઁ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી દ્વારા નવમો સમૂહલગ્ન આગામી 27 એપ્રિલને સોમવારે યોજાશે. સમૂહલગ્નમાં 21 દીકરીઓ લગ્ન પાર્ટી પ્લોટમાં ગોઠવાશે. આ સમૂહલગ્નમાં જોડાવવા માટે મંદિરના ટ્રસ્ટી ધનુભા જાડેજા, વિનુભાઈ ડાંગર, શૈલેષભાઇ જાનીનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
દવાખાનું સહિતની સેવાકીય પ્રવૃત્તિઓ
કહેવાય છે કે વર્ષો પહેલા અહીં માતાજીની નાની દેરી હતી. પછી માતાજીની ભક્તિનો પ્રભાવ ધીરેધીરે વધતા હવે વિશાળ મંદિર બની ગયું છે. તેમાંય રવિવારે અને મંગળવારે ભક્તજનોનું રીતસર કીડીયારું ઉભરાઈ છે. દરરોજ સાંજે માતાજીની મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટીને માતાજી સમક્ષ શિશ ઝુકાવે છે. ભક્તિભાવની સાથે ધક્કાવાળી મેલડી માઁ ચેરીટેબલ ટ્રસ્ટ બનાવીને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે દવાખાનું ચાલુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર મહિને ગૌમાતાઓને 60થી 70 હજારની નિરણ નાખવામાં આવે છે. લાપસી, સુખડી અને ગુદી, ગાંઠિયા અને તાવાપ્રસાદ ભાવિકોને આપવામાં આવે છે.