Monday - Jun 01, 2026

માળિયા મિયાણાને શિક્ષણ ક્ષેત્રે અન્યાય : નવી શાળા અને બોર્ડ કેન્દ્ર ન ફાળવાય તો આંદોલન

માળિયા મિયાણાને શિક્ષણ ક્ષેત્રે અન્યાય : નવી શાળા અને બોર્ડ કેન્દ્ર ન ફાળવાય તો આંદોલન

30 હજારની વસ્તી ધરાવતા તાલુકાને એકપણ નવી શાળાની ફાળવણી નહીં, સ્થાનિકોમાં રોષ

મોરબી :  માળીયા મિયાણાને શિક્ષણ ક્ષેત્રે આજના હાઈટેક યુગમાં જરાય અસુવિધા પરવડે એમ ન હોવા છતાં વધુ એકવાર અન્યાય કરવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026 માટે જિલ્લાભરમાં 32 નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ દરખાસ્તમાં માળિયા મિયાણા તાલુકાની સંપૂર્ણ અવગણના કરવામાં આવતા સ્થાનિક આગેવાનો અને નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે માળિયા મિયાણા નગરપાલિકાના સભ્ય ઇકબાલ સુભાન સંધવાણીએ જિલ્લા શિક્ષણ અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે મોરબી તાલુકામાં 14, વાંકાનેરમાં 12, હળવદમાં 4 અને ટંકારામાં 2 નવી શાળાઓની દરખાસ્ત કરવામાં આવી છે, જ્યારે માળિયા મિયાણા તાલુકા માટે એકપણ નવી શાળાની દરખાસ્ત સરકારમાં મોકલવામાં આવી છે. જિલ્લાના ચારેય તાલુકામાં નવી શાળાની જરૂર હોય એના કરતાં માળીયામાં નવી શાળાની સૌથી વધુ જરૂર હોય તો માળીયા તાલુકા સાથે આવો ભેદભાવ કેમ ? તેવો સવાલ ઉઠાવ્યો છે.

30 હજારની વસ્તી સામે એક જ શાળા

અંદાજે 30 હજારની વસ્તી ધરાવતા માળિયા મિયાણા તાલુકામાં હાલમાં માત્ર એક જ માધ્યમિક શાળા કાર્યરત છે, જે વિદ્યાર્થીઓ માટે પૂરતી નથી. તાલુકો શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત ગણાતો હોવા છતાં તેને નવી શાળાની યોજનામાંથી બાકાત રાખવો એ ગંભીર ભેદભાવ સમાન છે.

પાડાના વાંકે પખાલીને ડામ

માળીયા તાલુકામાં અગાઉ ધો.10નુ પરીક્ષા કેન્દ્ર હતું. પણ કેટલાક વિદ્યાર્થીઓની ગંભીર ભૂલને કારણે એ બોર્ડનું કેન્દ્ર રદ થઈ ગયું હતું. પણ કેટલાક વિદ્યાર્થીઓની ભૂલની સજા અન્ય હજારો વિદ્યાર્થીઓને આપવી એ કોઈ કાળે યોગ્ય નથી. હવે બોર્ડ પરીક્ષા માટે સ્થાનિક કેન્દ્ર ન હોવાથી વિદ્યાર્થીઓ, ખાસ કરીને દીકરીઓ અને ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓને દર વર્ષે દૂરના કેન્દ્રોમાં જઈ પરીક્ષા આપવાની ફરજ પડે છે. જેના કારણે સમય, ખર્ચ અને સુરક્ષાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને સમાન શૈક્ષણિક તક ન મળે તો આંદોલન

ઇકબાલ સંધવાણીએ ઉમેર્યું હતું કે, માળિયા મિયાણા શહેરમાં તાત્કાલિક નવી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવે તેમજ સ્થાનિક સ્તરે બોર્ડ પરીક્ષા કેન્દ્ર ફાળવવા માટે સરકારમાં પૂરક દરખાસ્ત મોકલવામાં આવે અને પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને સમાન શૈક્ષણિક તક મળવી જોઈએ. તેમ છતાં જો ટૂંક સમયમાં આ અંગે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો શહેરના સામાજિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખી શિક્ષણ વિભાગ અને સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.