Saturday - Apr 04, 2026

હજુ ચોમાસું બાકી હોય ત્યારે ભર ઉનાળે વરસેલા વરસાદથી ઉધોગકારો બેહાલ

મોરબીમાં ભરઉનાળે વરસેલા વરસાદને કારણે ઔધોગિક વિસ્તાર લાતીપ્લોટ બેહાલ થઈ ગયો છે. હજુ ચોમાસું બાકી હોય ત્યારે ભર ઉનાળે પડેલા વરસાદને કારણે લાતીપ્લોટની ભારે દુર્દશા થઈ ગઈ છે. લાતીપ્લોટ સામાન્ય વરસાદમાં પણ પાણીમાં ગરકાવ થઈ જતા નાના ઉધોગકારો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે. સામાન્ય વરસાદે લાતીપ્લોટ નર્કગારમાં ધકેલી દેતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

મોરબીનો 1થી 12 ઉભી મોટી શેરીઓમાં ફેલાયેલો અને અનેક નાના મોટા ઉધોગ ધરાવતો તેમજ સૌથી વધુ ટેક્સ ભરવા છતાં લાતીપ્લોટ વિસ્તાર માટે વર્ષોથી પ્રાથમિક સુવિધાઓ તંત્રના પાપે મૃગજળ બની છે. આખા લાતીપ્લોટમાં પ્રાથમિક સુવિધાઓનું ક્યાંય નામોનિશાન નથી  જો કે હમણાં ડ્રેનેજ અને રસ્તાના કામો મંજૂર થયા હતા પણ કોન્ટ્રાકટરોની લાપરવાહીને કારણે આ કામો હાલ મુશ્કેલીજનક બની ગયા છે. ધનઘડા વગરના કામોથી લાતીપ્લોટ વધુ મુશ્કેલીમાં ઘેરાયો છે. રસ્તા ઉબળ ખાબડ અને ઉપરથી ઉભરાતી ગટરોથી લાતીપ્લોટ પહેલેથી પરેશાન છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ ચોમાસામાં થાય છે. પણ હાલ ચોમાસું ન હોય અને ભર ઉનાળે એક ઇચથી વધુ પડેલા સામાન્ય વરસાદથી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. લાતીપ્લોટમાં ઠેરઠેર પાણી ભરાયા છે. ખરાબ રસ્તા ઉપર પાણી ભરાતા ઉધોગોનું માલ પરિવહન પર વિપરીત અસર પડી છે અને ઉધોગકારો વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.