હરબટીયાળીના શિક્ષિકાએ ગામની બજાર પર પેઇટિંગથી શિક્ષણ અંકિત કર્યું.શિક્ષિકાએ ગામની દીવાલો ઉપર બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તેવા ચિત્રો દોરાવી બોલતી બજારનું નામ આપ્યું
શિક્ષક કભી સાધારણ નહિ હોતા, આ બાબતને ટંકારાના હરબટીયાળીના શિક્ષિકાએ પુરવાર કર્યું છે. શિક્ષિકાએ પોતાને મળેલા ચિત્રકુટ એવોર્ડની ધનરાશીનો બાળકોના શિક્ષણ માટે ઉપયોગ કર્યો છે. શિક્ષિકાએ ગામની બજારની દીવાલ ઉપર શિક્ષણ અંકિત કર્યું છે. બાળકો હસતા રમતા શિક્ષણ મેળવી શકે તેવું શિક્ષણ જ્ઞાન ગામની દીવાલ પર પેઇન્ટિંગથી અંકિત કર્યું છે અને ગામની બજારને બોલતી બજાર એવું નામ આપીને આ ઉમદા પ્રોજેકટ પાર પાડ્યો છે.
મોરબી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમજ ચિત્રકૂટ એવોર્ડ મેળવનાર ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા બોલતી બજારનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શાળા સમય બાદ તેમજ વેકેશનના સમયમાં બાળકો રમતા રમતા શીખે તે હેતુથી ગીતાબેન દ્વારા ગામની બજારની દીવાલોમાં વિવિધ વિષયોના પાયાગત કન્ટેન્ટને આવરી લઈને પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં ચારેય ભાષા માટે મૂલાક્ષરોથી લઈ તમામ પાયાગત વિષય વસ્તુ તેમજ ગણિત, પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાનનું વિષયવસ્તુ બાળકો રમતા રમતા તેમજ હાલતા ચાલતા શીખે તે રીતે દીવાલો સજાવવામાં આવી છે. આ ઉપરાંત બાળકો માટે સાપસીડી, લુડો, ચેસ, ઇસ્ટો વગેરે જેવી રમતો તેમજ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે. દીવાલોને ખખડાવતા જાણે સહજ રીતે બોલતી હોય તેવું લાગે તેવો પ્રયોગ ગીતાબેન દ્વારા કરવામાં આવ્યો છે. હરહંમેશ આવી નાવીન્યપૂર્ણ કામગીરી કરતા ગીતાબેન દ્વારા કરાયેલ આ કામગીરીની તમામ લોકોએ પ્રશંસા કરી હતી.શિક્ષક ધારે તો શું કરી શકે તે ખરેખર આ શિક્ષિકા ગીતાબેનના પ્રયોગ દ્વારા ચરિતાર્થ થતું જણાય છે.