મોરબીનું પાનેલી ગામ પહેલેથી હરિભરી ખેતીને કારણે ખાધેપીધે સુખી સંપન્ન છે. જેમાં મોરબીમાં નર્મદા યોજના આવી ન હતી તે પહેલા એટલે કે, અઝાદીથી આશરે 1995થી 2000ની સાલ સુધી મોરબીના લોકોએ પાણીની ભારે હાડમારી વેઠી છે. તે સમયે પાનેલી ગામના રાજાશાહી વખતના મસમોટા તળાવની મદદ લેવામાં આવી હતી અને આઝાદી બાદ વર્ષો સુધી આ તળાવમાંથી મોરબીના સૌથી મોટા સામાકાંઠા વિસ્તારના હજારોથી પણ વધુ લોકોને જે તે તંત્ર દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવામા આવતું હતું. એટલે જે ચોમાસામાં ભરપૂર વરસાદ થયો હોય અને પાનેલીનું તળાવ ભરાય જતું એટલે મોરબીના લોકોને પાણીની કોઈ ચિંતા રહેતી નહિ. પણ 1980થી આશરે 2000ની સાલ સુધી દરેક ચોમાસે અપૂરતા વરસાદથી આ તળાવ ન ભરાતા મોરબીના લોકોને પાણીના એક એક બુદ માટે તરસવું પડતું હતું.જો કે હવે નર્મદા આવી જતા મોરબીના લોકોને પાણીની સમસ્યા એટલી બધી પજવતી નથી.પણ હવે આ ગામને પ્રદુષણનું ગ્રહણ લાગ્યું હોય એવી સ્થિતિ સામે આવી છે.
પાનેલીના સરપંચ ગૌતમભાઈ હડિયલે જણાવ્યું હતું કે, આશરે 125 વર્ષ પહેલાં આ ગામ રચાયા બાદ હવે ગામ ધીરેધીરે વિકસિત થઈને શાળા, આંગણવાડી, આરોગ્ય, સારા રોડ રસ્તા, ગટર, લાઈટ સુધીની તમામ સુવિધા હોય ખેતી પર નિર્ભર રહેલી અંદાજે 8 હજારની વસ્તીના આરોગ્ય પર હવે ખતરો મંડરાયો છે. જેમાં મોરબી જિલ્લા વહીવટી તંત્રએ આ બન્ને ગામને જાણ કર્યા વગર કે મંજૂરી વગર પાનેલી નજીક ખરાબામાં જમીન ફાળવી તે જમીનમાં હાલ નવી જીઆઇડીસી બનાવવામાં આવી રહી છે. જીઆઇડીસીના પ્રાદેશિક મેનેજરે આ બન્ને ગ્રામ પંચાયતની ઉપરવટ જઈને આગોતરો હુકમ કરી તમામ શરતોનું પાલન કર્યું નથી. જેમાં વોટર બોડીના નીતિ નિયમોનો સરેઆમ ઉલાળીયો કરી પાનેલીના સૌથી મોટા તળાવમાં આવતા વરસાદી પાણીના વોકળા અને વહેણો તેમજ મુખ્યમાર્ગ પણ બુરી નાખી ઉપરથી ગુગળ, બાવળ, ગોરળનું નિકંદન કરી પર્યાવરણને નુકશાન કરવાની સાથે આ જીઆઇડીસી માત્ર 200 મીટર જ દૂર હોવાથી પાનેલીનું તળાવ પણ પ્રદુષિત થાય તેવી ભીતિ દર્શાવી છે.
જીઆઇડીસી બનાવવા માટે હજુ તો લેવલ કરવા રસ્તાનું કામ ચાલુ હોય હજુ બાંધકામ થયું નથી. એક વર્ષ અગાઉ જીઆઇડીસી માટે સર્વે કરાયો ત્યારે ને તે અધિકારીએ આ જગ્યા છોડી દેશું એવું કહ્યું હતું. પછીથી ફરી જઈને તંત્રએ એ જ જગ્યા આખે આખી લઈ લીધી અને જૂના નકશામાં રહેલા સિમ માર્ગ, મોરબીનો રોડ, વાયા જાંબુડિયા રોડ અને ત્રણ ખાનગી સર્વે નંબર નવી માપણી સીટમાં દર્શાવ્યા જ નહીં અને 1993 વખતનું જૂનું ગામતળને જીઆઇડીસીમાં લઇ લીધું,
ઘણા સમયથી પ્રદુષણની અસર હોય અને હવે પ્રદુષણ વધશે
હાલમાં અહીંયા પ્રદુષણ તો છે જ ત્યારે પાનેલી રોડ ઉપર કારખાના હોવાથી તેનું બેહિસાબ પ્રદુષણ ફેલાય છે તેવામાં હવે નવી જીઆઇડીસીમાં સંભવિત સીરામીક અને કેમિકલને લગતા જ કારખાના આવે તો બન્ને ગામની 20 હજારની વસ્તીના સ્વાસ્થ્યને ગંભીર અસર પડે એમ હોય મહેસુલ મંત્રી આ બાબતે ગામના આરોગ્યના હિતમાં નિર્ણય લેવાની માંગ કરી છે.