Sunday - May 17, 2026

વાંકાનેરમાં કારમાં પગ રાખી ચેક કરતી વખતે કાર ભગાડી મુક્તા પીએસઆઇને દૂર સુધી ઢસડયાના અંતે બે ઝડપાયા

વાંકાનેરમાં કારમાં પગ રાખી ચેક કરતી વખતે કાર ભગાડી મુક્તા પીએસઆઇને દૂર સુધી ઢસડયાના અંતે બે ઝડપાયા

જીનપરા જકાત નાકા નજીક વાહન ચેકીંગ દરમિયાન બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા જકાત નાકા પાસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકીંગ સમયે એક કાર ચાલકે કારમાં પીએસઆઇ ચેકીંગ કરી રહ્યા હોવા છતાં જાણી જોઈને કાર ભગાવી મુકતા પીએસઆઇ કાર સાથે ઢસડાઇ જતા ઇજાઓ પહોંચી હતી. આ બનાવ બાદ ભાગી છૂટેલા કાર ચાલકને ઝડપી લઈ ત્રણ વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધવામા આવ્યો હતો.જો કે, કારમાં બેઠેલ એક વ્યક્તિ નાસી ગયો હતો જ્યારે બે ઝડપાઇ ગયા હતા.

વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.પી.મેવાડાએ સીટી પોલીસ મથકમાં આરોપી સુનિલ ઝવેરભાઈ ઉનેચા, નયનભાઈ ગોપાલભાઈ ઝખવાડિયા અને આરોપી મયંક લાલાભાઈ વાલાણી રહે. ત્રણેય સુરેન્દ્રનગર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.5ના રોજ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પીએસઆઇ મેવાડા જીનપરા જકાત નાકે નેશનલ હાઇવે પર વાહન ચેકીંગ કરતા હતા તે સમયે આરોપીઓ જીજે - 13 - એનએન - 6919 નંબરની સ્વીફ્ટ કાર લઈને પસાર થતા પોલીસ સ્ટાફે કાર અટકાવી હતી.

પીએસઆઇ એ.પી.મેવાડા કાર ચેક કરવા જતા કારનો એક દરવાજો ખોલી પગ દરવાજા પાસે રાખી અંદર કોણ કોણ બેઠું છે તે જોતા હતા ત્યારે અંદર બેઠેલા એક આરોપીએ કાર ભગાડી દેવાનું કહેતા કાર ચાલકે કાર ભગાવી હતી બીજી તરફ પીએસઆઇ કાર સાથે દૂર સુધી ઢસડાયા હતા. આ ઘટનામાં પોલીસ ટીમે ઇજાગ્રસ્ત પીએસઆઇને હોસ્પિટલ ખસેડી કારનો પીછો કરતા આરોપી સુનિલ ઝવેરભાઈ ઉનેચા અને નયનભાઈ ગોપાલભાઈ ઝખવાડિયા નર્સરી ચોકડી નજીક ઝડપાઇ ગયા હતા.જ્યારે મયંક લાલાભાઈ વાલાણી નાસી ગયો હતો.બનાવ અંગે પોલીસે ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.