આ ઘટના અંગે બે શખ્સો વિરુદ્ધ ફરજમાં રુકાવટ અંગે ગુન્હો દાખલ
મોરબી : વાંકાનેર નેશનલ હાઇવે પર જીનપરા જકાત નાકા પાસે ફરજમાં રહેલા ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં એક્ટિવા લઈને નીકળેલા શખ્સને અટકાવી રોંગ સાઈડમાં ન જવા સમજાવતા ઉશ્કેરાઈ ગયેલા સ્કૂટર ચાલકે પોલીસ કર્મચારીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાયો છે.
ગઈકાલે બુધવારે સાંજના સમયે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા રમેશભાઈ માલાભાઈ રબારી અન્ય સ્ટાફ સાથે જીનપરા જકાત નાકે ટ્રાફિક ફરજમાં હતા ત્યારે આરોપી સતુભા ઝાલા અને જીજે - 23 - ઇએલ - 0007 નંબરના સ્કૂટરનો ચાલક રોંગ સાઈડમાં જઈ રહ્યા હોય ફરિયાદી રમેશભાઈ રબારીએ બન્ને શખ્સોને રોંગ સાઈડમાં નહિ જવા કહ્યું હતું.જેથી ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ ફરજમાં રુકાવટ કરી બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે પોલીસ કર્મચારી રમેશભાઈ રબારીએ બન્ને વિરુદ્ધ ફરજમાં રુકાવટ કરવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા મુદ્દે ફરિયાદ નોંધાવી હતી.