માળિયાના વર્ષામેડી અને નવી નવલખી ગામની પાણીની સમસ્યા હલ કરવામાં તંત્ર નિષ્ફળ જતા લોકોએ નવલખી હાઇવેને ચક્કાજામ કર્યો
મોરબી : માળિયા તાલુકાના છેવાડા ગામે ઉનાળાના પ્રારંભે જ પાણીની હૈયાહોળી સર્જાઈ છે.જેમાં માળીયાનું વર્ષામેડી અને નવી નવલખી ગામ પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું હોવા છતાં પાણી પુરવઠા તંત્ર આ ગામની પાણીની સમસ્યા ઉકેલવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું હતું અને તંત્રને વારંવારની અનેક રજુઆતોને બેધ્યાન કરવાની અક્ષમ્ય બેદરકારી ભારે પડી હતી. રોજ રોજની પાણીની રમાયણથી રોષે ભરાયેલા આ બન્ને ગામના લોકો રોડ ઉપર ઉયરી આવ્યા હતા અને વાહનોની અસામાન્ય અવરજવર ધરાવતા નવલખી હાઇવેને ચક્કાજામ કરી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.
નવલખી હાઇવે ઉપર ચક્કાજામ કરીને ગામલોકોએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામો હોવાને કારણે અહીં પાણી સમયસર મળતું નથી. નવી નવલખી ગામના મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ગામમાં અંદાજે 250 થી 300 ઘરો આવેલા છે, પરંતુ પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. મહિલાઓને 5 કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જવું પડે છે. સ્થાનિક રહેવાસીઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 3 થી 5 વર્ષથી પાણીનો પ્રશ્ન વણઉકેલ્યો છે. મોટાભાગના રહીશો મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે, જેમની દૈનિક આવક માત્ર 300 રૂપિયા છે. આવી સ્થિતિમાં 800 રૂપિયા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા તેમના માટે અશક્ય બની ગયા છે.
હાઈવે પર ચક્કાજામને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી. ગ્રામજનોએ મક્કમતાથી જણાવ્યું હતું કે, જ્યાં સુધી પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવીને કાયમી ઉકેલની ખાતરી નહીં આપે, ત્યાં સુધી આ ચક્કાજામ અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. ત્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા બાહેંધરી મળતા ચક્કાજામ હટી ગયો છે.