તમામ મહિલાએ જાતે રસોઈ માટે મોટો હોલ બનાવી ભોજનનો બધો ખર્ચ ઉઠાવી દરરોજ બે કલાક સ્વાદિષ્ટ રસોઈ બનાવી અલગ અલગ વિસ્તારમાં નિરાધારોને સવાસો ટિફિન પહોંચાડે છે
મોરબી : મોરબીનો સૌથી વધુ વૈભવી વિસ્તાર ગણાતો રવાપર રોડ પરના એરિયાના 20 જેટલા શ્રીમંત મહિલાઓ પાંચ વર્ષથી ભુખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરી રહી છે. જો કે તમામ મહિલાઓ શિક્ષિત, સામાજિક માન મરબતો ધરાવાની સાથે તેમના ઘરમાં નોકર-ચાકર સહિત તમામ વૈભવી સુખ સગવડો છે. ઘરમાં નોકર ચાકર હોવાથી રસોઈ, કપડા, સફાઈ સહિતનું ભલે એકપણ ગૃહકાર્ય ન કરતી હોઈ પણ શહેરમાં ભૂખ્યા રહેતા નિરાધારો માટે જાતે જ બે કલાક પરસેવો પાડી રસોઈ બનાવીને પ્રેમથી ભુખ્યાજનોની આંતરડી ઠારી માનવ સેવા એજ પરમો ધર્મ હોવાની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરી રહી છે. આ 20 જેટલી મહિલાઓમાં આ સેવાના સદગુણને રવાપર રોડ ઉપર રહેતા સુખી સંપન્ન પરિવારના કંચનબેન અધારાએ જાગૃત કર્યો છે. તેઓ શરૂઆતથી જ ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા હોય યોગા, ધ્યાનથી છેલ્લા 20 વર્ષથી પરમ અધ્યતમિકતા કેળવી રહ્યા છે. ત્યારે તેમને બ્રહ્મજ્ઞાન થયું કે, દરિદ્ર નારાયણની સેવા એજ સાચી પ્રભુ ભક્તિ છે અને ભગવાને આપણને એટલા માટે આટલી બધી સુખ સમૃદ્ધિ આપી છે કે આપણે એનાથી બીજાનું ભલું કરવા નિમિત્ત બનીએ. આથી આપણી પાસે જેટલું સુખ છે એમાંથી બીજાનું ભલું કરીને તેમના જીવનને ખુશીઓથી ભરી દેવા માટે નિમિત્ત બનવા તેઓએ એક મહિલાઓનું ગ્રુપ બનાવી આઠ, દસ વર્ષથી અલગ અલગ સેવાપ્રવૃત્તિ કરે છે. તે દરમિયાન તેમને ધ્યાને આવ્યું કે, ફૂટપાથ ઉપર રહેતા નિરાધારો તેમજ ઝૂંપટપટ્ટી અને કેટલીક જગ્યાએ ઘરડા માવતરને ઘણીવાર ભોજન નસીબમાં ન હોવાથી રાત્રી જમ્યા વિના જ સુઈ જવું પડતું હોય છે. આ વિચાર માત્રથી હૈયું હચમચી ઉઠતા મહિલાઓએ નિરાધારોને ભોજનની સુવિધા પૂરી પાડવા પાંચ વર્ષ પહેલા રવાપર રોડ ઉપર આવેલા રિલાયન્સનગરમાં જમીન ખરીદી કરી રસોડા માટે વિશાળ હોલ બનાવી સેવાયજ્ઞ શરૂ કર્યો હતો. આ મહિલાઓ આર્થિક રીતે એકદમ સુખી સંપન્ન હોવાથી રસોઈ ઘર, રસોઈ બનાવવાના તમામ સાધનો, રસોઈ માટે રોજે રોજની અલગ અલગ વાનગીઓની સામગ્રીનો ખર્ચ ઉઠાવી લીધો હતો. દરરોજ 20 જેટલી મહિલાઓ અલગ અલગ શાક, દાળ, ભાત, રોટલી, રોટલા, રગડો, પાઉભાજી, થેપલા, તહેવારો મુજબ અલગ અલગ મિસ્ટાન, ફરસાણ, કેરીનો રસ, ખીર, પુરી સહિતની ઘરે પણ ન બનાવી હોય એવી સ્વાદિષ્ટ વાનગીઓ જાતે જ બે કલાકમાં બનાવી સવાસો ટીફીનમાં ભરી એક ઇકો ગાડીમાં એ બધા ટીફિન શહેરના સુરજબાગ સહિતના ફૂટપાથ ઉપર રખડતું ભટકતું જીવન ગુજારતા નિરાધારો તેમજ રસ્તામાં કોઈ ભૂખ્યું દેખાય તો એમને અને ઝૂંપટપટ્ટી તેમજ એકલા રહેતા ઘરડા માવતરને પહોંચાડે છે. ઘરમાં સુખ સગવડો હોવા છતાં આકરો પરસેવો પાડી આ મહિલાઓ ચૂલા ઉપર કલાકો સુધી દરરોજ અહીં આવી રોટલી, રોટલા ઘડી, તેમજ અલગ અલગ શાક બનાવીને પાંચ વર્ષથી જે ભુખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનું જે પ્રેરણાદાયી કાર્ય કાર્ય કરી રહી છે તે સૌથી મોટું પુણ્યનું કામ છે.
ઝૂંપટપટ્ટીના બાળકોને વિદ્યાદાન
કંચનબેન સહિતની મહિલાઓ શ્રીમંત હોવા છતાં અન્ય ધનવાન મહિલાઓની જેમ "કીટીપાર્ટી" માં વ્યસ્ત રહીને ધનિક હોવાનો દંભ અને બ્રાહ્ય આંડબર વ્યક્ત કરવાને બદલે અંતર મનનું સાચું સુખ શેમાં રહેલું છે તે બાબતને સેવાકાર્યોથી સાર્થક કરે છે. જેમાં આ મહિલાઓ સેવાનો વ્યાપ વધારી એક મહિનાથી એસપી રોડ પરની ઝૂંપટપટ્ટીના શિક્ષણથી વંચિત બાળકોનું ભવિષ્ય અંધકાર ન બની જાય એ માટે વિદ્યાદાન આપવાનું શરૂ કર્યું છે. હવે પછી મોહનભાઈના ભરડીયા પાસેની ઝૂંપટપટ્ટી અને રવાપર ઘુંનડા રોડની ઝૂંપટપટ્ટીના બાળકોનું ભવિષ્ય સુધારવા તેમને શિક્ષણ આપી વ્હેલીતકે સરકારી શાળામાં ભણવા બેસાડવાની નેમ વ્યકત કરી છે.
સ્વચ્છતા અભિયાન, જીવનરક્ષક કીટ
કંચનબેન સાથે ભૂમિબેન, દુર્ગાબેન, ક્રિષ્નાબેન, મનીષાબેન, કૃપાબેન, રિદ્ધિબેન, નીતાબેન, પૃષ્પાબેન સહિતની શ્રમિત પરિવારની મહિલાઓ ટિફિન સેવા ચલાવે છે. જો કે આ મહિલાઓમાંથી કોઈને પ્રસંગોપાત કે અન્ય કોઈ કારણોસર રજા રહે તો પણ ટિફિન સેવાનું કામ બંધ રહેતું નથી. તેમની પાસે 4 હજાર મહિલાઓ વિવિધ સેવપ્રવૃત્તિ સાથે જોડાયેલી હોવાથી આ સેવા કામમાં મહિલાઓ હમેશા તત્પર રહે છે. આ મહિલાઓ ટિફિન સેવાની સાથે જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવી ઘણા સમયથી રવાપર રોડ આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવે છે અને કોરોના કાળ દરમિયાન તેઓએ ઝૂંપટપટ્ટી, શ્રમ વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં જરૂરિયાતમંદ અને નિરાધારોને રાશન સહિતની સુપર્ણ જીવન રક્ષક કીટ આપી હતી. આ બધી જ સેવપ્રવૃત્તિનો ખર્ચ મહિલાઓ જાતે જ ઉઠાવે છે. મદદ માટે કોઈની પાસે હાથ લાંબો કરતા નથી.