શહેરીજીવન કરતા ગ્રામીણ જીવન હમેશા બહેતર રહ્યું છે. કારણ કે, શહેરોમાં શોરબકોર, વાહનો અને ફેકટરીઓના પ્રદુષણ અને ભાગદોડભરી રોજિંદી ઘટમાળ તેમજ ગંદકીને કારણે લોકોનું સરેરાશ આયુષ્ય ઘટી રહ્યું છે. પણ ઘણા ગામડાઓ હજુ પણ એકદમ શુદ્ધ વાતાવરણ જળવાયેલું છે. જેના કારણે સુવિધાઓનો અભાવ છતાં ગામલોકો મસ્ત મોલાનાની જેમ જીવી જાણે છે. આવું જ એક ગામ છે, મોરબીનું ફડસર ગામ.આ ગામમાં મોટાભાગની સુવિધાઓ હોય તેમજ ખેતી સમૃદ્ધ હોવાને કારણે ગામલોકોને કાયમ લીલાલહેર છે.
મોરબીના આમરણ અને રાજપર ગામની વચ્ચે આવેલા ફડસર ગામની ખાસિયત વિશે ગ્રામજનો કહે છે કે, તેમનું ગામ આશરે 800થી 900 વર્ષ જૂનું છે. ગામની 1800ની આસપાસ વસ્તી છે. જે તે સમયે રાજાવડલા ગામ દ્વારા તેમના ગામનું ફડસર નામ પાડવામાં આવ્યું હતું. ગામમાં 40 ટકા જેટલા લોકો શિક્ષિત છે. ગ્રામજનો કહે છે કે, તેમના ગામમાં દવાખાનું, પ્રાથમિક શાળા, દરેક પ્રકારના પ્રસંગો માટે સમાજવાડી, આંગણવાડી, મંદિરો, બાગ જેવી હરિયાળી ખેતી, લાઈટ, પાણી, શૌચાલય, ગટર, નિયમિત સફાઈ સહિતની દરેક પ્રકારની જીવન જીવવા માટેની મૂળભૂત સુવિધાઓ છે. એટલે અમને એકેય વાતનું દુઃખ નથી. જો કે હજુ પણ ગામના 70 ટકા લોકો ખેતી પર જ નભે છે. એટલે હજુ લોકો સ્ફુર્તિમય અને એકદમ તંદુરસ્ત છે.ગામમાં હર્યાભર્યા વૃક્ષો, હરખાતી બલખાતી હરિ ભરી ખેતીને કારણે ગામનું વાતાવરણ એકદમ શુદ્ધ છે. અમે ભલે ઓછું ભણેલા પણ જીવતરનું પૂરેપૂરું ભાન છે. આવનારી નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે બધા લોકો પ્રયત્નશીલ છે. એટલે ગામના દરેક બાળકો ભણે છે. ટેકનોલોજીના યુગમાં શિક્ષિત હોવું જરૂરી હોવાથી ગ્રામજનો શિક્ષણનું મહત્વ સમજીને તેમના બાળકોને ઉત્તમ શિક્ષણ આપે છે. જો કે ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હોય અને ખેતી સારી હોવાથી ગ્રામજનોનું જીવન ધોરણ ઊંચું છે.ભણતર ઓછું હોય પણ પેઢી દર પેઢી વડીલોના સંસ્કારો અને આદર્શ જીવન જીવવાની ખૂબી વારસામાં જ મળી હોવાથી યોગ્ય સમજણને કારણે ક્યારેય ગામની શાંતિ ડહોળાઈ નથી.