: ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી બંધ મકાનમાં રાખેલો રૂ. 4.12 લાખથી વધુ કિંમતના જીરું અને લસણનો પાક ઉસેડી ગયા હતા. આ બનાવ અંગે ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા હસમુખભાઇ રણછોડભાઇ નામના ખેડૂતે પોતાના ખેતરમાં લસણ અને જીરુંનો પાક વાવવા તનતોડ મહેનત કરી હતી અને કાળી મજુરી કરીને તેઓએ ખેતરમાંથી લસણ અને જીરુંનો પાક લણીને વેચવા જવા માટે પોતાના એક બંધ મકાનમાં રાખ્યો હતો. ત્યારે આ ખેડૂતને ક્યાં ખબર હતી કે, આ પાક જે આકરી મહેનતથી મેળવેલો હતો તેની કોઈ ચોરી કરી જશે. બન્યું એવું કે, તેઓએ જે બંધ મકાનમાં લસણ, જીરુનો પાક રાખ્યો હતો તે મકામને તસ્કરોએ નિશાન બનાવી બંધ મકાનમાંથી ગત. તા.5ના રોજ કોઈ અજાણ્યા તસ્કરો જીરૂ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ-36માં ભરેલ આશરે 75 મણ જીરું કિંમત રૂપિયા 3,7,500 તેમજ લસણ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ- 11માં ભરેલ આશરે 30 મણ લસણ કિંમત રૂપિયા 75હજાર સહિત 4,12,500નો જથ્થો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાયા બાદ ટંકારા પોલીસે ચોરી કરનાર સાગરભાઇ દીલીપભાઇ અત્રેસા,મૂળ રહે.સખપર તા.ટંકારા જી.મોરબી, હાલ રહે.-મોરબી, વાવડી રોડ બાપાસીતારામ મઢુલી પાસે જીવન જયોત સોસાયટી, મોરબી, રમેશભાઇ અવચરભાઇ દારોદ્રા, રહે.નેકનામ તા.ટંકારા, બીપીનભાઇ વીરજીભાઇ સાણદીયા, રહે.-નેકનામ તા.ટંકારા, હીન્દુભાઇ લાખાભાઇ સાટકા, રહે.-સખપર તા.ટંકારા અને પ્રવિણભાઇ વાલજીસભાઇ વેદાણી, રહે.હોળાયા તા.ગઢડા જી.બોટાદ, રહે હાલ-નેકનામ તા.ટંકારા જી.મોરબી વાળાને ઝડપી લઈ પૂછતાછ કરતા ચોરીમાં ગયેલ જીરૂ વેચાણાના રોકડા રૂપિયા 3,37,500 તથા લસણના બાચકા કાઢી આપતા વધુ તપાસ હાથ ધરી છે.