મોરબી શહેર અને ગામડાઓમાં ટેકનોલોજીનો કોઈ ઉદય થયો ન હતો તે જમાનામાં ભવાઈ-નાટકો વારે તહેવારે ભજવતા અને લોકો પણ મોડી રાત સુધી નાટકને માનાતા પણ આજે હાઈ ટેકનોલોજીના જમાનામાં ફિલ્મ થિયેટરોને તાળા લાગી ગયા હોય ત્યારે ઘણો બદલાય ગયો છે. મોબાઈલમાં મનોરંજનની અતિશય ભરમારને કારણે નાટય કલા ડચકા ખાઈ રહી છે.પણ મોરબીના ગામડાઓમાં પરમાર્થ માટે આજેય પણ નાટયકલા જીવંત રહી છે.
મોરબી નજીક આવેલા વિરપર, લજાઈ રાજપર સહિતના ગામોમાં આવેલી ગૌશાળાના નિભાવ માટે દર નવરાત્રીથી લાભ પાચમ સુધી ઐતિહાસિક નાટકો ભજવાય છે. જેમાં મોરબી નજીક આવેલા લજાઈ ગામમાં રહેતા દલસુખભાઈના કહેવા પ્રમાણે દર વર્ષે ત્રીજા નોરતે નાટક ભજવાની પરંપરા ચાલી આવે છે.જેમાં ગામની ગૌશાળા માટે કૃષ્ણ વૃષ્ટિ યાને દાનેશ્વરી કરણ આ વખતે ત્રીજા નોરતે ભજવાશે. એક મહિના અગાઉ દર રાત્રે આ નાટકનું રિહર્સલ થાય છે. છેલ્લા 56 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે.આ ગામના લોકો મોરબી ધંધાર્થે સ્થાયી થયા હોવા છતાં ગામમાં નાટક માટે દર વર્ષે રિહર્સલ પણ એક મહિના સુધી કરે છે અને આ યુવાનો મોરબીથી લજાઈ જઈને અમારી ગાય કદી કતલખાને નહિ જાય એવો સંકલ્પ સિદ્ધ કરવા નાટક ભજવે છે. આ નાટક જોવા દૂર દૂરથી લોકો આવે છે અને ગૌશાળા માટે ઉદાર હાથે એટલો બધો ફાળો નોંધાવે છે કે આખા વર્ષનો ગૌમાતાના નિભાવનો ખર્ચ નીકળી જાય છે. ગૌ સેવા યુવક મંડળના કામધેનુ વિસામો ટ્રસ્ટ બનાવી 80 લોકોના ગૃપમાં 35 લોકો પુરુષો અને સ્ત્રીઓના પાત્રો પણ બખૂબીથી ભજવે છે. ગામની ગૌશાળાના સ્થાપક સોહમદત બાપુએ લખેલા જુદજુદા ઐતિહાસિક નાટકો ભજવાય છે.જ્યારે મોરબીના રાજપર ગામે કેશુભાઈના કહેવા મુજબ નવ યુવક રાજપર દ્વારા ગૌશાળાના લાભર્થે નાટકો ભજવાય છે. ગામના વેલ એજ્યુકેટેડ યુવાનો પણ કોઈ છોછ ન રાખીને હોંશથી નાટકો ભજવે છે. 28થી વધુ યુવાનો ગૌસેવા માટે આ સેવા કાર્ય ચલાવે છે. આ નાટકો જોવા દૂર દૂરથી લોકો ઉમટી પડતા હોય દાનની રકમ પણ મોટી એકત્ર થાય છે. જો કે આ બન્ને ગામમા યુવાનો ગાયનું દૂધ ખાતા કે વેંચતા નથી. આ દુધનો એના વાછરડાને લાભ આપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજના હાઈ ટેક યુગમાં નાટક કલા એક ગૌસેવા કે અન્ય સેવા પ્રવૃતિઓ માટે જીવંત રહી છે અને તેના ફાળાની રકમમાંથી એક રૂપિયો પણ વપરાતો નથી.