મોરબી : મોરબીમાં આજે સવારથી જ મનપાની પ્રથમ ચૂંટણી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. ત્યારે અશકત હોય અને ચાલી ન શકે તેવા દિવ્યાંગોએ પણ મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી. જેમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નીમચંદભાઈ દામજીભાઈ પ્રજાપતિ નામના એક દિવ્યાંગ મતદાર પોતાની ટ્રાયસીકલ લઈને મતદાન કરવા પહોંચ્યા હતા. તેમની આ જાગૃતતા જોઈને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોયાએ તેમને તેડીને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા અને મતદાન કરાવ્યું હતું. આ ઉપરાંત પંકજભાઈ પ્રજાપતિ અને ભાનુબેન પ્રજાપતિ નામના બંને દિવ્યાંગ મતદારોએ પણ પોતાની શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકીને સવારના પહોરમાં જ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.