દલવાડી સર્કલથી આવાસ યોજના રોડ પર અગાઉ હટાવ્યા બાદ પણ ઝુંપડા ફરી બની જતા મનપાની કાર્યવાહી
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવા માટે 'વન વીક વન રોડ' ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત આજે બુધવારે બે સ્થળોએ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના તરફ જવાના રસ્તા પર કેનાલની સમાંતર આવેલા અંદાજે 30 જેટલા ઝૂંપડાઓને પાડી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શનાળા ગામથી આગળ જ્યાં વેસ્ટ ઝોન ઓફિસ બનવાની છે તે જગ્યાએ ગુજરાત ગેસના પંપની બાજુમાં ચાની અને પંચરની દુકાન સહિતના બે થી ત્રણ દબાણોને પણ આજે દૂર કરવામાં આવ્યા છે.
મોરબી કોર્પોરેશન બન્યા પછી દર બુધવારે 'વન વીક વન રોડ' અંતર્ગત મુખ્ય માર્ગો પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે. દલવાડી સર્કલ પાસે જે ઝૂંપડા હટાવવામાં આવ્યા છે, તે અગાઉ ગયા વર્ષે માર્ચ મહિનામાં પણ ડિમોલિશન કરીને હટાવવામાં આવ્યા હતા. પરંતુ ઝૂંપડાવાળા ફરીથી ત્યાં આવી ગયા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને તકલીફ પડતી હતી અને જગ્યા પર દબાણ થતું હતું, તેથી તેને ફરીથી દૂર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ મુખ્ય રસ્તાઓ પર નડતરરૂપ ઝૂંપડા કે અન્ય સ્ટ્રક્ચર હશે તેને 'વન વીક વન રોડ' ઝુંબેશ અંતર્ગત દૂર કરવામાં આવશે.