દારૂ સસ્તો અને તેલ મોંઘુ હોવાનો બળાપો ઠાલવી સરકાર પર તડાપિટ બોલાવી
મોરબી : એક તો કાળઝાળ મોંઘવારીથી પહેલેથી પ્રજા હેરાન છે. હવે ઉપરથી ગલ્ફના દેશોમાં યુદ્ધની સ્થિતિ ઘેરી થવાથી ગેસની ભારે કટોકટી સર્જાઈ છે. ગેસ અને તેલ મોંઘું થવાથી ઘરનું આર્થિક બજેટ ખોરવાઈ જતા મહિલાએ કાળો કકળાટ કરી મુક્યો છે. આથી આ મોંઘવારીના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસે આજે શહેરના શાક માર્કેટ, નગર દરવાજા પાસે સરકાર પર તડાપીટ બોલાવી આકરા પ્રહારો કરી વિરોધ પ્રદર્શન સાથે નારેબાજી કરી હતી.
મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ મોંઘવારી મુદ્દે સરકારને આડે હાથ લઈ આકરા પ્રહારો કર્યા હતા કે, રસોડાથી લઈને રોજિંદી જીવન જરૂરિયાતોની ચીજવસ્તુ દિનપ્રતિદિન મોંઘી બનતી જતી હોવાથી સામાન્ય અને મધ્યમવર્ગીય લોકોને ઘરના બે છેડા ભેગા કરવામાં નાકે દમ આવી જાય છે. તેમાંય ગૃહિણીઓને ઘરનો મોરચો સંભાળવો પડકારજનક બની રહે છે. આથી મહિલા કોંગ્રેસ સમિતિએ મોંઘવારીથી પીડિત મહિલાઓને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો.
વાહ રે વાહ સરકાર : "દારૂ સસ્તો અને તેલ મોંઘુ"
મહિલા કોંગ્રેસના આગેવાનો મોંઘવારી મુદ્દે સરકાર તૂટી પડી હતી અને આક્રોશભેર કહ્યું હતું કે, વાહ રે વાહ સરકાર : "દારૂ સસ્તો અને તેલ મોંઘુ" શુ સરકાર મોંઘવારી વધારીને જનજીવનને નશાની ખાઈમાં ધકેલવા માંગે છે ? કોંગ્રેસના શાસનમાં ગેસનો ભાવ ૩૫૦ રૂપિયા હતો. પણ ભાજપના રાજમાં ગેસના બાટલાનો ભાવ ૯૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ રીતે ગેસના ભાવ આસમાને પહોંચતા સામાન્ય વર્ગનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે.
50 હજારની આવક છતાં કરકસર કરવી પડે
એક જમાનો હતો. ત્યારે મોટાભાગનો વર્ગ મજૂરી કરતો હોય ઓછી આવકમાં 12 કે 15 સભ્યોનો સંયુક્ત પરિવાર ખુશીથી જીવતો પણ આજે પાંચ પરિવારનું વિભક્ત કુટુંબ હોય ઘરમાં બધા જ કમાનાર હોય એટલે 50 હજાર જેવી મહિને આમદાની થતી હોવા છતાં કરકસર કરવી પડે છે. કારણ કે મોંઘવારી જ એટલી બધી હોય આટલી આવક પણ ટૂંકી પડે છે તેમા બચત ક્યાંથી થાય ? કે ઉજ્જવળ ભવિષ્યનો પ્લાન બનાવી શકે ?