Saturday - May 16, 2026

મોરબીમાં વેપારીને ફોનમાં રૂ.10 અને 20ના બંડલ આપવાના નામે અઢી લાખ આંગડિયામાં મંગાવી બુચ માર્યું

મોરબીમાં વેપારીને ફોનમાં રૂ.10 અને 20ના બંડલ આપવાના નામે અઢી લાખ આંગડિયામાં મંગાવી બુચ માર્યું

ઠગબાજના નામજોગ અને અગાઉ પણ આ રીતે ત્રણ વ્યક્તિઓ સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ હોવાનું ખુલતા ગુનો ડિટેકટ થયા બાદ જ ફરિયાદ નોંધી હોવાની સંભાવના

મોરબી : મોરબી શહેરમાં ઠગાઈનો નવતર કિસ્સો સામે આવ્યો છે.મોરબીના હાર્ડવેરના વેપારીને ફોન કરી રૂ.10 અને 20ના બંડલ જોઈતા હોય તો કહો. કહીને આંગડિયા મારફતે રૂ.2.50 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરવામાં આવતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરના રવાપર ઘુનડા રોડ પર જ્યોતિપાર્કમાં રહેતા હાર્ડવેરના વેપારી ચેતનભાઈ રતિલાલ દેત્રોજા ઉ.વ 42 નામના વેપારીને ગત તા.21ના રોજ આરોપી પંકજ કેશવજીભાઈ ફેફરે મોબાઈલ કોલ કરી કહ્યું હતું કે, બોલો તમારે રૂ.10 - 20ના બંડલ જોઈએ છે ? મારી પાસે 3 લાખની નોટ પડી છે. જો કે, વેપારીએ કહ્યું હતું કે, મને તમારી ઓળખાણ ન પડી, જેથી આરોપીએ બીજા ચેતનભાઈને ફોન કરતો હતો પણ તમને લાગી ગયો છે કહી વાતને વાળી લઈ ફરી તમારે છુટા જોઈએ તો કહેજો કહી જાસામાં લીધા હતા.

બીજીતરફ હાલમાં બજારમાં નાની ચલણી નોટની અછત હોય ચેતનભાઈએ છુટા માટે હા પાડતા આરોપીએ પોતાને અમદાવાદ પૈસા આપવાના હોય આંગડિયામાં 2.50 લાખ મોકલવાનું કહેતા ચેતનભાઈએ આંગડીયામાં પૈસા મોકલી આપ્યા હતા.જો કે, આરોપી પંકજે આંગળિયું મળી ગયાનું જણાવી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દેતા વેપારી છેતરાયાનો અહેસાસ થતા અંતે આરોપી પંકજ કેશવજી ફેંફર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.નોંધનીય છે કે, આરોપી પંકજે અગાઉ ત્રણ વ્યક્તિઓ સાથે પણ આ જ રીતે છેતરપિંડી કરી હોય તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થઈ હોવાનું ચેતનભાઈએ જાહેર કર્યું હતું.