ટંકારા શહેરને નગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ટંકારા નગરપાલિકા માટે નોટિફિકેશન જાહેર કરી ટંકારામાં 6 વોર્ડમાં વિભાજન કર્યુ છે. જેમાં 24 કાઉન્સિલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નગરપાલિકાની પ્રથમ ચૂંટણી દિવાળી બાદ યોજાઈ તેવી શકયતા વચ્ચે ટંકારા પાલિકાની નક્કી કરાયેલ 24 બેઠકોમાંથી 1 બેઠક અનુસૂચિત જાતિની વ્યક્તિ માટે અનામત, 6 બેઠક પછાત વર્ગની વ્યક્તિ માટે જેમાંથી 3 મહિલા 3 પુરુષ માટે અનામત મુજબ ટંકારા નગરપાલિકા 27 % ઓબીસી અનામત સહિત 50 % મહિલા અનામત બેઠક સાથે રાજ્ય સરકારના નાયબ સચિવ મનીષ.સી.શાહ દ્વારા નોટિફિકેશન બહાર પાડયું છે. જો કે નગરપાલિકા બનાવવા સામે કેટલાક લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે અને ટંકારાને નગરપાલિકા બનાવવાનું રદ કરી ગ્રામ પંચાયત રાખવાની રજુઆત કર્યા બાદ સરકારે નોટિફિકેશન જાહેર કરતા સરકાર ટંકારાને નગરપાલિકા બનાવવા માટે મક્કમ હોવાનું બહાર આવ્યું છે.