Saturday - Jul 25, 2026

મોરબી જિલ્લામાં પુરની આફત વચ્ચે સંસ્થાઓ અસરગ્રસ્તોની સેવા માટે ખડેપગે રહી

મોરબી જિલ્લામાં પુરની આફત વચ્ચે સંસ્થાઓ અસરગ્રસ્તોની સેવા માટે ખડેપગે રહી

મયુર નગરીએ અત્યાર સુધીમાં ત્રણ આપત્તિ જોઈ છે. એક તો 1979ના મચ્છુ જળ હોનારત, બીજો 2001નો ભૂકંપ અને ત્રીજી 2020નો કોરોના કહેર. આ ત્રણેય આપતિ વખતે મોરબીની અને દેશ અને દુનિયાની સંસ્થાઓએ માનવતાની જ્યોત જલાવીને ખાસ તો હોનારત વખતે સ્મશાન બની ગયેલા મોરબીને રાખમાંથી બેઠું કર્યું હતું  એટલે મયુર નગરીના લોકો અને સંસ્થાઓ કોઈપણ આપતી વખતે અસરગ્રસ્તોની મદદ માટે હર હમેશ તત્પર રહે છે. આથી તાજેતરમાં મોરબી જિલ્લામાં આવેલ પુર જેવી આફત વખતે તમામ સંસ્થાઓ એકજુટ થઈને અસરગ્રસ્તો સેવા માટે કામે લાગી ગઈ હતી. અમુક સંસ્થાઓએ રસોડા ચાલુ કર્યા તો કેટલીક સંસ્થાઓ જ્યાં સુધી જનજીવન થાળે ન પડ્યું ત્યાં સુધી રૂબરૂ જઈને અસરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ કર્યા હતા.

મોરબી જિલ્લામાં પુરની સૌથી વધુ માળીયામાં અસર થઈ હતી. માળીયામાં મચ્છુ નદીના પાણી ફરી વળતા માળીયા શહેર અને અનેક ગામોમાં પાણી ઘુસી ગયા હતા. ઘરોમાં પાણી ઘુસી જતા અનેક લોકોનું સલામત સ્થળે સ્થળાતર કરવું પડ્યું હતું.આથી વહીવટી તંત્ર સાથે સંકલન સાધી ઘણી બધી સંસ્થાઓ પુર અસરગ્રસ્તોની મદદે દોડી ગઈ હતી. જેમાં ખાસ જય અંબે સેવા ગ્રુપના જીગ્નેશભાઈ કૈલા દ્વારા માળીયામાં પુરના અસરગ્રસ્તોને 5 હજાર જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. યંગ ઇન્ડીયા ગ્રુપના દેવેનભાઈ રબારી દ્વારા ઝૂંપટપટ્ટીના તમામ લોકો માટે રસોડું શરૂ કરી ભોજન કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત નદી કાંઠાના રબારી વાસ વણકર વાસ, વાલ્મિકી વાસ અને મકરાણી વાસમાં ઘરોમાં પાણી ઘૂસતા 500 લોકોને સલામત સ્થળે ખસેડી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ભોજન કરવામાં આવ્યું હતું.જલારામ પ્રાર્થના ટ્રસ્ટ મંદિર દ્વારા  પુર અસરગ્રસ્તો અને અલગ અલગ વિસ્તારોમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારોમાં 15 હજાર ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.મોરબીના બગથળા ગામના  નકલંક મંદિરના દામજી ભગત સહિતના દ્વારા માળીયા પંથકમાં અસરગ્રસ્તોને 1500 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જ્યારે રિયલ સેવા ગ્રુપના ભાવેશભાઈ મારણવણીયા સહિતના દ્વારા બે દિવસમાં પૂરગ્રસ્તોને 1 હજાર ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.આવી રીતે ઘણી બધી નામી અનામી સંસ્થાએ પ્રસિદ્ધિ વગર રસોડાઓ ધમધમતા કરીને જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડી ત્યાં સુધી અસરગ્રસ્તો માટે સેવાની જ્યોત જલાવી હતી.

માળીયામાં અનેક પરિવારોની ઘરવખરી તણાય

માળીયામાં પુરની આફતને કારણે ઘણા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હોય ત્યારે જીવ બચાવવો મુશ્કેલ હોય એમાં ઘરવખરીને કેવી રીતે બચાવી શકાય ? આવી રીતે માળીયા અને મોરબીના નદીકાંઠાના વિસ્તારોમાં ઘરવખરી તણાય જતા ખાસ કરીને સામાન્ય વર્ગ મુશ્કેલી મુકાતા ઘણા સેવભાવીઓ તેમની મદદ માટે આગળ આવ્યા હતા.
ક્
નાના સ્ટોલ ધારકો માથે ઓઢીને રોયા

મોરબીમાં જન્માષ્ટમીના બે ત્રણ મેળાને મંજુરી મળી હતી રાજકોટના અગ્નિકાંડથી બાકીના મેળા મંજુરીના  વાંકે અટક્યા હતા. ઉપરથી સ્ટોલ ધારકો માટે વરસાદ વેરી બન્યો હતો. મેળાની હજુ રીબીન પણ કપાઈ ન હતી. ત્યારે જ પાંચ દિવસથી એકધારો વરસાદ પડતાં મેળા ધોવાઈ ગયા હતા અને નાના સ્ટોલ ધારકો માથે ઓઢીને રોયા હતા. ત્યારે અમુક સેવાભાવીઓએ આવા નાના સ્ટોલ ધારકોને નુકશાન ઓછું સહન કરવું પડે એ માટે મદદ કરી હતી.

અમારી વેદના તો કોઈ પૂછો : ખેડૂતોની હૈયાવરાળ

મોરબી જિલ્લામાં ભારે વરસાદથી મુખ્ય કપાસ સહિતના પાકોને મોટું નુકસાન થયું છે. આથી ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવી હતી કે, ખેતરોમાં હજુ પણ જઈ શકાય એવી સ્થિતિ જ નથી. પાણી એટલા ભરાયા છે કે પાક બચ્યો જ નથી. પુરથી અસરગ્રસ્ત બધાની સરકારી તંત્ર અને સરકાર ખેવના કરે છે. પણ અમારે મોટું નુકસાન થયું હોય છતાં અમારો કોઈ ભાવ જ પુછતું નથી. ખેડૂતો પોતાની અવહેલનાથી અકળાયા હતા.