Tuesday - Jun 23, 2026

જેતપર આંદોલનમાં ખેડૂતોએ સરકારની મંત્રણા કરવાની ઓફર ઠુકરાવી

જેતપર આંદોલનમાં ખેડૂતોએ સરકારની મંત્રણા કરવાની ઓફર ઠુકરાવી

ખેતરોમાં કંપનીનું કામ અટકે નહિ અને નવો પરિપત્ર બહાર ન પડે ત્યાં સુધી સરકાર સાથે કોઈપણ બાબતે વાત કરવાની ખેડૂતોની મનાઈ

મોરબી : મોરબીના જેતપર મુકામે વીજલાઈનના યોગ્ય વળતરની માંગ સાથે ચાલી રહેલી ખેડૂતોની ઉપવાસ છાવણીમાં ગત રોજ સરકારી તંત્ર દ્વારા ખેડૂતોને ચર્ચા વિચારણા કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. SDM અને તેમની ટીમ છાવણી ખાતે આમંત્રણ આપવા આવી હતી. જોકે, ખેડૂત સમિતિ દ્વારા આ આમંત્રણને નકારી કાઢવામાં આવ્યું છે. ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી કામ બંધ ન થાય અને નવો પરિપત્ર જાહેર ન થાય ત્યાં સુધી કોઈ મંત્રણા કરવામાં આવશે નહીં.સાથે જ ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉદ્દેશીને પોતાની માંગણીઓ લેખિતમાં મોકલવામાં આવી છે અને સરકારને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

હાલ સંપૂર્ણ ગુજરાતમાં હાઇટેન્શન વીજલાઇનના યોગ્ય વળતરને લઈને ખેડૂતો પીડાઇ રહ્યા છે અને આંદોલનના માર્ગે છે. ટેલીગ્રાફ એકટ 1885 કલમ 10(d) મુજબ TSP કંપનીએ ખેતરોમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું રહે છે અને થાંભલા તથા તારથી થતું સંપૂર્ણ નુકસાન ચૂકવવાનું રહે છે. જેથી ગુજરાત ઉર્જા વિભાગ ખેડુત હિતેચ્છુ નવો પરીપત્ર બનાવે અથવા તો કેન્દ્ર સરકારની તારીખ 14/06/2024 અને 21/03/2025 ની ગાઇડલાઇનમાં નીચે મુજબના સાનુકુળ સુધારા કરે, ટાવર વિસ્તાર માટે 400% વળતર: 14/06/2024 ની ગાઇડલાઇનમાં ટાવર વિસ્તાર માટે MRC કમીટી દ્વારા બજાર કિંમત નક્કી કરી તેના 200% નો ઉલ્લેખ છે. પરંતુ હાઈ વોલ્ટેજ લાઇન હોવાથી ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડના વધારાના 200% ઉમેરીને કુલ 400% વળતર (જંત્રીના નહીં પરંતુ બજાર કિંમતના) આપવામાં આવે, જેમ રાજસ્થાન સરકારે આપ્યું છે.

RoW વિસ્તાર માટે વધારાનું વળતર: RoW માટે 21/03/2025 ની ગાઇડલાઇનમાં બજાર કિંમતના 30%, 45% અને 60% આપવાનો ઉલ્લેખ છે. પરંતુ હાઇટેન્શન લાઇનમાં ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ થાંભલા અને તાર બંનેના ક્ષેત્રફળમાં હોવાથી RoW વિસ્તારમાં 200% વધારે એટલે કે કુલ 230%, 245% અને 260% વળતર આપવામાં આવે. બજાર કિંમત માટે MRC કમિટી: જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે DLVC કમીટીને બદલે 21/03/2025 ની ગાઇડલાઇન પ્રમાણે MRC કમીટીની રચના કરવામાં આવે. એકસાથે અને એડવાન્સ વળતર: 14/06/2024 ની ગાઇડલાઇનના પોઇન્ટ નંબર 9 પ્રમાણે તમામ પ્રકારનું વળતર (ટાવર વિસ્તારનું, RoW વિસ્તારનું, પાક નુકસાનીનું તથા અન્ય નુકસાન) એક જ હપ્તામાં અને એડવાન્સમાં આપવામાં આવે.

જેતપર આંદોલનમાં ખેડૂતોએ સરકારની મંત્રણા કરવાની ઓફર ઠુકરાવી