જમીનનો દસ્તાવેજ બનાવી લઈ 1.14 કરોડની રકમ જાણ બહાર આસામીના ખાતામાં જમા કરાવી બેન્ક અધિકારીની સંડોવણીથી આ રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર પણ કરી દીધી
મોરબી : મોરબીમાં લખધીરનગરના આસામી પાસેથી નસાની હાલતમાં કલોલ ખાતે આવેલી તેની જમીનનો દસ્તાવેજ બનાવી લેવાયો હતો. બાદમાં રૂ.1.14 કરોડની રકમ જાણ બહાર આસામીના ખાતામાં જમા કરાવી બેન્ક અધિકારીની સંડોવણીથી આ રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર પણ કરી દેવાય હતી. આ ગુનામાં હાલમાં એક આરોપીની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. અને આજે સાંજે તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મોરબીના લખધીરનગરના પ્રભુલાલ નથુલાલ દેત્રોજાએ એ ડિવિઝન પોલીસમાં કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા, વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા બન્ને રહે. અમદાવાદ, ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા રહે.મોરબી, આરડીસી બેંક મેનેજર ડી.આર. વડાવીયા, અશોક લાભૂભાઈ મકવાણા રહે.મોરબી તેમજ અન્ય જવાબદાર બેન્ક કર્મચારી તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયુ હતું કે તેમના કૌટુંબિક સંબંધી કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા, વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજાએ નસાની હાલતમાં તેઓ પાસે ગાંધીનગરના કલોલ તાલુકામાં જાસપુરના રેવન્યુ સર્વે 552 અને 261ની જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. બાદમાં તેઓના આરડીસી બેંકના ખાતામાં રૂ.1.14 કરોડ જાણ બહાર જમા કરી દીધા હતા. ત્યારબાદ બેન્ક અધિકારી અને કર્મચારીની મદદથી ખોટી સહી અને પાસબુક કઢાવી જાણ બહાર આ નાણાં ઉપેન્દ્રભાઈના ખાતામાં જમા પણ કરાવી નાખ્યા હતા. આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે 5 શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પ્રભુભાઈ દ્વારા વર્ષ 2022માં પોલીસ સમક્ષ ફરિયાદ આપવામાં આવી હતી. એસપી, આઈજીને પણ ફરિયાદ કરવામાં આવી હતી પણ તે સમયે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી. 2023માં નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ મોરબીમાં 156(3) મુજબ અમે ફરિયાદ દાખલ કરી હતી. બધા પાસાઓ ધ્યાને કોર્ટે પોલીસને ફરીયાદ લેવાનો હુકમ કર્યો હતો. આ કેસ અંગે પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું કે એ ડિવિઝન પોલીસે આરોપી કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા (ઉ.વ.62) રહે. 404 રત્નમ રેસિડેનસી, આનંદીકેતન સ્કૂલ પાસે, સેટેલાઈટ અમદાવાદવાળાની ગઈકાલે સાંજે ધરપકડ કરી છે. આજે તેમને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.