કાર તળાવમાં ખાબકયા બાદ બન્ને યુવાનોને તરતા આવડતું હોય પણ દુર્ભાગ્યવશ કારના દરવાજા જ ન ખુલતા આ કરુણાતીકા સર્જાઈ
મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામના બે યુવાનો ગમખ્વાર અકસ્માતમાં કાળનો કોળિયો બની જતા બન્ને હતભાગી પરિવારો હસતી ખેલતી જિંદગી વેરાન બની ગઈ છે. જો કે આ ઘટનામાં સૌથી કરુણ બાબત એ છે કે, એક યુવાનના 20 દિવસ પહેલા જ લગ્ન થયા હોય ભરથરના આકસ્મિક મોતથી નવોઢાનો ચુડીનો ચાંદલો નંદવાતા તેમનો આખો પરિવાર આઘાતથી સુનમુન થઈ ગયો છે. બંને હતભાગી પરિવારો આ આઘાત ક્યારેય જીરવી શકે એમ નથી કે, કારણ કે બન્ને યુવાનો એકમાત્ર આધારસ્તભ હોય એટલે એકોલતા પુત્રોના મોતથી બન્ને પરિવારો ધ્રુસકે ધ્રુસકે રડી પડતા કોણ કોને સાંત્વના આપે તેવી કપરી સ્થિતિ સર્જાઈ હતી.
મહેન્દ્રનગર ગામના ભીખાલાલ તલસાણીયા અને નિલેશ કાનાણી નામના બે યુવાનો પોતાની કાર લઈને રવિવાર હોવાથી મહેન્દ્રનગરથી રાપર પાસે આવેલી મિત્રની એક ફેક્ટરીએ મિત્રને મળવા જઈ રહ્યા હતા. કોને ખબર હતી કે ખુશી-ખુશી મિત્રોને મળવા જઈ રહેલા આ યુવાનોની આ અંતિમ સફર બની રહેશે અને કાર તળાવમાં ખાબકતા બન્ને યુવાનોના મોત નીપજયા હતા. જો કે, હતભાગી બંને યુવાનોને પાણીમાં તરતા આવડતું હતું. પરંતુ રોડ પરથી કારે કાબુ ગુમાવ્યા બાદ તે સીધી તળાવમાં ખાબકી હતી અને અંદર રહેલા કાદવમાં ખરાબ રીતે ખૂંપી ગઈ હતી. કાદવ અને પાણીના દબાણને કારણે કારના દરવાજા ખુલી શક્યા ન હતા. તરતા આવડતું હોવા છતાં કારની બહાર ન નીકળી શકવાના કારણે બંને યુવાનો સાથે ગમખ્વાર ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
અકસ્માતમાં જીવ ગુમાવનાર ભીખાલાલ તલસાણીયાને ગામમાં ભવ્યના હુલામણા નામથી ઓળખતા હતા. ભવ્ય જ્યારે સાવ નાનો હતો ત્યારે જ તેના પિતાનું અવસાન થતાં તેની માતાએ તેને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો હતો. તે માતાનો એકનો એક સહારો હતો અને એક્સપોર્ટ કંપનીમાં નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. હજુ તો માંડ 20 દિવસ પહેલા જ તેના લગ્ન થયા હતા અને ઘરમાં ખુશીનો માહોલ હતો, ત્યાં જ કાળમુખા અકસ્માતે નવપરિણીત
પત્નીનો સિંદૂર ભૂંસી નાખ્યો છે. પિતાવિહોણા પુત્રને ગુમાવનાર માતા પર આભ ફાટી પડ્યું છે.
બીજો મૃતક યુવાન નિલેશ કાનાણી મૂળ કેરાળા ગામનો વતની અને ખેડૂત પુત્ર હતો. વર્ષોથી તેઓ મહેન્દ્રનગર રહેતા હતા. નિલેશભાઈ 'નકલંક પેઇન્ટ્સ' નામની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા હતા. નિલેશ પણ તેના માતા-પિતાનો એકનો એક જ દીકરો હતો. આ ગોઝારી ઘટનામાં નિલેશે જીવ ગુમાવતા તેની ૬ વર્ષની દીકરી અને ૩ વર્ષના દીકરાએ પિતાનો વહાલ ગુમાવ્યો છે. હસતો રમતો પરિવાર એક જ ક્ષણમાં વિખેરાઈ ગયો છે.