Friday - May 01, 2026

ટંકારામાં પરિવાર ભૂતકોટડા માતાજીના માંડવામાં ગયા અને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

ટંકારામાં પરિવાર ભૂતકોટડા માતાજીના માંડવામાં ગયા અને પાછળથી તસ્કરોએ ઘર સાફ કરી નાખ્યું

કલ્યાણપર ગામે તસ્કરોએ ધોળા દિવસે મકાનના તાળા તોડી રૂ.4.45 લાખની ચોરી કરી પોલીસના અસ્તિત્વ સામે પડકાર ફેંક્યો

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં ગઈકાલે ધોળા દિવસે તસ્કર મકાનના તાળા તોડી વેપારીના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને જુદા જુદા વજનની સોના ચાંદીની લગડી સહિત રૂ.4.45 લાખની માલમતાની ચોરી કરી જતા ચોરીના ચકચારી બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.

ધોળા દિવસે નાના એવા ગામડા ગામમાં થયેલી ચકચારી ચોરીની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા શહેરથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલ કલ્યાણપર ગામે રહેતા વેપારી જયંતીલાલ વિરજીભાઈ ઉજરીયાએ ટંકારા પોલીસ મથક ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે તેઓ પરિવાર સાથે ભૂતકોટડા ગામે વેરાઈ માતાજીના માંડવા પ્રસંગમાં ગયા હતા.જેથી 9.30થી બપોરના દોઢ વાગ્યાના સમયગાળામાં બંધ પડેલા મકાનના તાળા તોડી કોઈ અજાણ્યો તસ્કર 6 તોલા સોનના બે મંગળસૂત્ર, ત્રણ તોલા વજનનાં સોનાના પાટલા, પાંચ ગ્રામની બુટી, સોનાનો ઓમકાર, ચાંદીના પાયલ, તેમજ સોના અને ચાંદીની અલગ અલગ વજનની 2.12 લાખની કિંમતની લગડી સહિત કુલ મળી 4.45 લાખના દાગીના અને લગડીની ચોરી કરી ગયા હતા.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.