મોરબી : મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે હત્યાના ગુનામાં જેલમાં રહેલો અને વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા કાચા કામના કેદીને ઝડપીને ફરી જેલ હવાલે કર્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૩૦૨ (હત્યા), ૩૨૬ અને જી.પી. એક્ટ ૧૩૫ના ગુનામાં સંડોવાયેલ આરોપી મયુરભાઈ હરખજીભાઈ ઉર્ફે હરખાભાઈ માલણીયાત (રહે. જેતપર, તા. જિ. મોરબી) મોરબી સબ જેલમાં કેદી તરીકે સજા ભોગવતો હતો. દરમિયાન આ કેદી ગત તા. ૦૨/૦૨/૨૦૨૬ના રોજ જેલમાંથી વચગાળાના જામીન પર ૭ દિવસની રજા માટે મુક્ત થયો હતો. આ કેદીને તા. ૧૦/૦૨/૨૦૨૬ના રોજ પરત મોરબી સબ જેલમાં હાજર થવાનું હતું. પરંતુ, નિયત તારીખે હાજર થવાને બદલે તે ફરાર થઈ ગયો હતો. આથી મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે આ આરોપી મોરબી-૨ વિસ્તારમાં મચ્છુ નદીમાં આવેલા પાડાપુલ નીચે છુપાયેલ છે. આ બાતમીના આધારે પોલીસે આરોપી મયુરભાઈને ઝડપી લીધો હતો અને તેને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એલ.સી.બી. પીઆઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.ડી.ભટ્ટ, પીએસઆઈ જે.પી. કણસાગરા તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.