Tuesday - Apr 21, 2026

મોરબીમાં પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડીને બે શખ્સોએ પુત્રને લમધારી નાખ્યો

મોરબીમાં પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડીને બે શખ્સોએ પુત્રને લમધારી નાખ્યો

પિતા-પુત્ર વચ્ચે કામ બાબતે ચાલી રહેલા ઝઘડા દરમિયાન બે શખ્સોએ ' ગાળો કેમ આપો છો' કહીને હુમલો કર્યો

મોરબી : મોરબી તાલુકાના ઘૂંટુ ગામના આંબેડકરનગરમાં એક યુવાન પર બે શખ્સોએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં પિતા-પુત્ર વચ્ચે કામ બાબતે ચાલી રહેલા ઝઘડા દરમિયાન બે શખ્સોએ ' ગાળો કેમ આપો છો' કહીને હુમલો કરી દીધો હતો. માથાના ભાગે પાઇપ વાગવાથી યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં બંને હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

ગત તારીખ 18/04/2026 ના રોજ સાંજના 8 થી 8:30 વાગ્યાના સુમારે ફરિયાદી મુકેશભાઈ દેવજીભાઈ વોરા (ઉ.વ. 34, ધંધો મજૂરી, રહે. આંબેડકરનગર, જૂના ઘૂંટુ ગામ, મોરબી) પોતાના ઘર પાસે હાજર હતા. તે દરમિયાન તેમના પિતા તેમને કામ બાબતે ઠપકો આપી રહ્યા હતા. આ સમયે આરોપી સચીનભાઈ દિનેશભાઈ બારોટ અને કિશનભાઈ કમલેશભાઈ બારોટ ત્યાં આવી પહોંચ્યા હતા.

સચીનભાઈએ 'મને કેમ ગાળો આપો છો' તેમ કહીને એકદમ ઉશ્કેરાઈ જઈ મુકેશભાઈને ગાળો આપી હતી. ત્યારબાદ સચીનભાઈએ પોતાના હાથમાં રહેલા લાકડાના ધોકા વડે મુકેશભાઈને ખભા અને વાંસાના ભાગે તેમજ કાનના ભાગે મારી મૂઢ ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન બીજા આરોપી કિશનભાઈએ નજીક આવી પોતાના હાથમાં રહેલા લોખંડના પાઇપનો એક ઘા મુકેશભાઈને માથાના ભાગે ઝીંકી દેતા માથામાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી.

હુમલામાં ઘવાયેલા મુકેશભાઈ સારવારમાં રોકાયેલ હોવાથી તેમણે ગઈકાલે તારીખ 20/04/2026 ના રોજ રાત્રે 21:50 વાગ્યે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 118(2), 115(1), 352, 54 તથા હથિયારબંધી જાહેરનામાના ભંગ સબબ જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો (FIR નં. 11189005260830/2026) નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.