Tuesday - Apr 21, 2026

મોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી કારને ટક્કર મારી યુવાનને પતાવી દેવાની ધમકી

મોરબીમાં જુના મનદુઃખનો ખાર રાખી કારને ટક્કર મારી યુવાનને પતાવી દેવાની ધમકી

બે દિવસ પહેલા ભાઈ સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી આરોપીએ સ્કોર્પિયો કાર મિત્રની ક્રેટા કાર સાથે ભટકાડી નુકસાન પહોંચાડ્યાની બી ડિવિઝનમાં ફરિયાદ

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી એક શખ્સે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની કાર સાથે પોતાની સ્કોર્પિયો કાર અથડાવી નુકસાન પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવાને મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મોરબીના વીસીપરા આવેલા કુલીનગર-1માં રહેતા શાહરૂખભાઈ ફિરોજભાઈ પઠાણ (ઉ.વ. 32) ને બે દિવસ પહેલા આરોપી સાજીદભાઈ સાઉદીનભાઈ જેડા (રહે. યમુનાનગર, મોરબી) ના ભાઈ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનો ખાર રાખીને આરોપી સાજીદભાઈએ શાહરૂખભાઈને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ગત તારીખ 20/04/2026 ના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ વીસીપરા મેઈન રોડ પર ગોવિંદભાઈના ડેલા પાસે, આરોપી પોતાની સ્કોર્પિયો કાર લઈને આવ્યો હતો અને શાહરૂખભાઈના મિત્રની ક્રેટા કાર (રજીસ્ટ્રેશન નંબર GJ-36-AR-4143) સાથે પોતાની સ્કોર્પિયો ભટકાડી હતી. આ ટક્કરથી ક્રેટા કારની જમણી સાઈડના દરવાજામાં, પાછળની સાઈડ તેમજ આગળના બમ્પરમાં મોટું નુકસાન પહોંચાડી આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે શાહરૂખભાઈએ તારીખ 20/04/2026 ના રોજ રાત્રે 22:10 વાગ્યે મોરબી સિટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 352, 351(3), 324(4) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.