વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કર્મચારીઓને તિલક લગાવી શોરૂમમાંથી ખરીદી ન કરવા હિન્દુ સમાજને હાકલ કરાઈ
મોરબી : લેન્સકાર્ટ શોરૂમમાં કામ કરતા હિન્દુ કર્મચારીઓને ધાર્મિક ચિન્હો ધારણ કરવા પર કથિત રીતે રોક લગાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોએ શોરૂમ ખાતે પહોંચીને ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે લેન્સકાર્ટ કંપની દ્વારા એવી મુહિમ ચલાવવામાં આવી છે જેમાં હિન્દુ કર્મચારીઓને કપાળ પર ચાંદલો કરવાની અને હાથના કાંડા પર દોરો બાંધવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ પ્રકારની નીતિને હિન્દુ વિરોધી માનસિકતા ગણાવીને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને મોરબીના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. હિન્દુ સંગઠનોએ મોરબીના તમામ હિન્દુઓને અપીલ કરી છે કે એક હિન્દુ યોદ્ધા તરીકે આ દુકાનમાંથી કોઈપણ પ્રકારના ચશ્મા કે લેન્સની ખરીદી કરવામાં ન આવે અને તેનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે.
વિરોધકર્તાઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે પાકિસ્તાન જેવી માનસિકતા ધરાવતા આવા લોકોને ભારતમાં અસ્તિત્વ ધરાવવાનો કે સ્થાન મળવાનો કોઈ અધિકાર નથી. સંગઠનોએ સરકાર સમક્ષ પણ માંગ કરી છે કે આવા હિન્દુ વિરોધી નિયમો બનાવનાર અને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડતા શોરૂમ પર તાત્કાલિક અસરથી બેન (પ્રતિબંધ) લગાવવામાં આવે અને તેમને આગળ વધવા દેવામાં ન આવે.