ધારાસભ્ય અને ડીવાયએસપીએ સૂચના આપતા ગણતરીની કલાકોમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી
મોરબીમાં જરૂરીયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારવા માટે વર્ષોથી સેવાની ધૂણી ધખાવનાર એવા બચુબાપાના અન્નક્ષેત્રમાં આતંક મચાવનાર બે શખ્સોને પોલીસે ઝડપી લઈ તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના સ્ટેશન રોડ ઉપર અન્નક્ષેત્ર ચલાવતા બચુબાપાએ જણાવ્યું હતું કે તેઓ ગઈકાલે સવારે બહાર ગયા હતા. ત્યારે બે શખ્સોએ આવીને ત્યાં હાજર છોકરીને બધા પૈસા દઇ દેવાના છે તેવું કહી મારી નાખવાની ધમકી આપી હતી. આ જ બે શખ્સોએ તેમના ભાણેજને છરી બતાવી હતી. આ લોકોએ થોડા થોડા કરીને રૂ. 50થી 60 હજાર પડાવી લીધા હોવાનું પણ તેમને જણાવ્યું હતું.
આ બનાવને પગલે ધારાસભ્ય અને ડીવાયએસપીએ તુરંત કાર્યવાહીની સૂચના આપતા એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ મુસ્તાક ફતેમહંમદ કટિયા રહે.રણછોડનગર અને એઝાઝ રહે.લાયન્સનગર સામે કલમ 506 અને 502 હેઠળ ગુનો નોંધી બન્નેને પકડી લીધા છે. આ મામલે એ ડિવિઝન પીઆઇ રાકેશ પટેલે જણાવ્યું કે બન્ને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચાલુ છે.