Saturday - May 02, 2026

મોરબીમાં તહેવારોમાં મંડપનો રાજકોટ કરતા પણ વધુ ચાર્જથી વેપારીઓ નારાજગી

મોરબીમાં તહેવારોમાં મંડપનો રાજકોટ કરતા પણ વધુ ચાર્જથી વેપારીઓ નારાજગી

રાજકોટમાં એક દિવસનો માત્ર ૫૦૦ રૂપિયા ચાર્જની સામે મોરબીમાં રૂ.૨૫૦૦નો ચાર્જ !

મોરબી : મોરબીમાં તહેવારોમાં જાહેર રસ્તા ઉપર સ્ટોલ મંડપ નાખીને વેપાર કરતાં વેપારીઓ માટે મનપાએ જાહેર કરેલા તગડા ચાર્જથી નાના વેપારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. જેમાં રાજકોટમાં એક દિવસનો માત્ર ૫૦૦ રૂપિયા ચાર્જ લેવાતો હોય એની સામે મોરબીમાં મનપા દ્વારા એનાથી ચાર ગણો વધુ એટલે રૂ.૨૫૦૦નો ચાર્જ લેવામાં આવે છે. ત્યારે ચાર્જમાં આટલો મોટો તફાવત કેમ અને નાના વેપારીઓને આવો તગડો ચાર્જ કોઈ કાળે પોસાય તેમ રાજકોટ મહાપાલિકા કરતાં પણ વધુ ચાર્જ લેવામાં આવે છે જેથી કરીને વેપારીઓ ઉપર આવો જુલમ કેમ કરવામાં આવે છે તેવા સવાલ સાથે શહેર કોંગ્રેસનાં પ્રમુખે કમિશનરને રજૂઆત કરી છે.

મોરબી શહેર કોગ્રેસ સમિતિ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં જાહેર માર્ગ કે જાહેર માર્ગ પાસે આવેલ દુકાન ધરાવતા વેપારીઓ તહેવાર દરમ્યાન ૧૦ × ૧૦ ના સ્ટોલ સાથેના મંડપ ઊભા કરતાં હોય છે આવા વેપારીઓ પાસેથી એક દિવસ માટેનો ૨૫૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જો કે, રાજકોટ મહાપાલીકા દ્વારા આ રીતે મંડપ નાખે તે વેપારીઓ પાસેથી એક દિવસનો માત્ર ૫૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જેથી મોરબીના વેપારીઓ પાસેથી કેમ આટલું ચાર્જ લેવામાં આવે છે તે લેખિતમાં જણાવવા માટે કહ્યું છે અને અને મોરબીમાં રાજકોટથી પણ વધુ ચાર્જ કેમ લેવામાં આવે છે ? જેથી કરીને સ્પષ્ટતા કરીને મનપા દ્વારા વેપારીઓને પરવડે તેવો નિયમ મુજબ યોગ્ય ચાર્જનો અમલ કરવામાં આવે તેવી માંગ કરી છે.