મોરબી : મોરબીમાં એક યુવતીને ફેસબુકથી યુવક સાથે પ્રેમ થયા બાદ એ યુવક લગ્ન ન કરતો હોય અને ઉલ્ટાનો યુવતીને ત્રાસ આપતો હોવાથી કંટાળી યુવતી ટ્રેન હેઠળ આપઘાત કરવા નીકળી હતી. આ બાબતે સમયસર 181 અભયમ ટીમને જાણ થતાં આ ટીમે સ્થળ ઉપર પહોંચી યુવતીનું સફળતાપૂર્વક કાઉન્સેલિંગ કરી તેની આપઘાત ન કરવા સમજાવીને તેની જિંદગી બચાવી લીધી હતી. તેમજ યુવતીને ત્રાસ આપતા યુવકને કાયદાના પાઠ ભણાવ્યા હતા.
મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિકે કોલ કરીને જાણ કરી હતી કે, એક મહિલા મોરબી એલ.ઈ.ગ્રાઉન્ડ પાસે ટ્રેનની નીચે આપઘાત કરવા જઈ રહ્યા છે મહિલા કોઈનું કાઈ પણ માનતા નથી અને આમતેમ દોડાદોડી કરે છે તેમજ મહિલા કાંઈ પણ બોલતા નથી અને ખુબ જ રડે છે તેમજ ખુબ જ ગભરાયેલી હાલતમાં છે. આથી તેમની મદદ માટે 181 કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર તેમજ પાયલોટ રસીકભાઇ ઘટના સ્થળે પહોંચીને મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૂર્વક કાઉન્સેલીગ કર્યું હતું.
કાઉન્સેલીગ દરમિયાન મહિલાએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહિલાને છેલ્લા દસ મહિનાથી એક યુવક સાથે ફેસબુક દ્વારા પ્રેમ સંબંધ હોય તે યુવક દ્વારા મહિલા રોજ નાની નાની વાતે માનસિક રીતે તેમજ શારીરિક રીતે ત્રાસ આપતા હોય અને મારઝુડ કરતા હોય તેમજ મહિલા સાથે ગેરવતૅન કરતા હોય અને અપશબ્દો બોલીને હેરાન કરતાં હોય મહિલાને લગ્ન કરવાની લાલચ આપીને વારંવાર મળવા બોલાવી પણ લગ્ન કરવાની ના પાડતા મહિલાને મનમાં લાગી આવતા તેણી ટ્રેનની નીચે આપઘાત કરવા પહોંચી હતી. આથી 181 ટીમે યુવકને ફોન કરીને ઘટના સ્થળ પર બોલાવીને યુવકનું કાઉન્સેલીગ કયું અને કાયદાકીય જોગવાઈઓનું જ્ઞાન આપી યુવકને તેની ભુલનુ ભાન કરાવી પાઠ ભણાવ્યો હતો.