ત્રણેક મહિના અગાઉ ખંડણીના પૈસા માંગી અપહરણ કર્યા બાદ ફરી આ ફરિયાદનો ખાર રાખી ધમકી આપતા બગથળાના શખ્સ સામે વધુ એક ગુનો દાખલ
મોરબી : મોરબીના પીપળી રોડ પર મોબાઇલની દુકાન ધરાવતા અને ત્રાજપરની મયુર સોસાયટીમાં રહેતા યુવકનું પૈસાની લેતી દેતી બાબતે ત્રણ માસ પૂર્વે અપહરણ કરનાર બગથળા ગામના શખ્સે યુવક તેમજ તેમના ભાઈને ફોન કરી પૈસા ક્યારે આપવા છે કહી ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના ત્રાજપરમાં મયુર સોસાયટીમાં રહેતા અને પીપળી રોડ પર મોબાઇલની દુકાન ધરાવતા અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજી સોઢાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ભગીરથ રતિલાલ ઠોરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવતા જાહેર કર્યું હતું કે, ત્રણેક મહિના અગાઉ ખંડણીના પૈસા માંગી આરોપી ભગીરથે તેમનું અપહરણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદનો ખાર રાખી આરોપીએ ફરી ફરિયાદી અમરતસિંઘ તેમજ તેમના ભાઈ નરસિંહ સોઢાને ફોન કરી પૈસા ક્યારે આપવાના છે તેમ કહી પૈસાની લેતી દેતી બાબતે ધાક ધમકી આપવાનું શરૂ કરી ઉઘરાણી કરતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.